<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

દવાના નવા લાઈસન્સ માટે રૂ. ૪૦,૦૦૦ ની લાંચ લેતા ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશ્નર પ્રકાશનાનકરામ પોસનાની અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન મોહનલાલ દેસાઈ એ.સી.બી.ના છટકામાં આબાદ ઝડપાયા

નર્મદા એ.સી.બી.ના પી.આઈ. ડી.ડી. વસાવાએ પાડેલી રેડમાં અધિકારીઓની ચેમ્બરમાંથી જ લાંચની રકમ રીકવર કરાઈ : મદદનીશ નિયામક બી.એમ. પટેલ અને નાયબ નિયામક બળદેવ દેસાઈના સુપરવિઝનમાં સફળ ટ્રેપ

ભરૂચ: ભરૂચ સ્થિત મદદનીશ કમિશ્નર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ) ની કચેરી ખાતે લાંચરુશવત વિરોધી બ્યુરો (ACB) એ સફળ ટ્રેપ ગોઠવીને વર્ગ-૧ ના મદદનીશ કમિશ્નર અને વર્ગ-૨ ના ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને રૂ. ૪૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

 

દવાના નવા પરવાના માટે માંગવામાં આવી હતી લાંચ:

આ કેસની વિગત મુજબ, એક જાગૃત નાગરિકે ભરૂચ સ્થિત ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી ખાતે દવાના નવા હોલસેલ પરવાના (લાઈસન્સ) મેળવવા માટે અરજી કરી હતી. આ અરજી સંદર્ભે લાઈસન્સ મંજૂર કરવાની પ્રક્રિયા માટે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન મોહનલાલ દેસાઈ (ઉંમર વર્ષ ૨૯, રહે. ઉન્નતિ નગર, ભરૂચ, મૂળ રહે. પારડી, જિલ્લા વલસાડ) એ ફરિયાદીને જણાવેલ કે લાઈસન્સની કામગીરી થઈ જશે પરંતુ તેના બદલામાં ૪૦ થી ૫૦ હજાર રૂપિયા મદદનીશ કમિશ્નરને આપવા પડશે.

 

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે નર્મદા એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી.

 

ચેમ્બરમાં જ રકમ સ્વીકારતાં જ એ.સી.બી. ત્રાટકી:

ફરિયાદના આધારે તા. ૧૮/૦૮/૨૦૨૬ ના રોજ નર્મદા એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. વસાવા દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ કચેરી ખાતે મદદનીશ કમિશ્નરની ચેમ્બરમાં જ ફરિયાદી પાસેથી મદદનીશ કમિશ્નર પ્રકાશભાઈ નાનકરામ પોસનાની (ઉંમર વર્ષ ૫૪, રહે. ઝાડેશ્વર, ભરૂચ, મૂળ રહે. કલોલ, જિલ્લા ગાંધીનગર) અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન મોહનલાલ દેસાઈએ નક્કી થયેલી લાંચ પેટે રૂ. ૪૦,૦૦૦ ની રકમ સ્વીકારી હતી.

 

નાણાંનો સ્વીકાર થતાં જ પૂર્વ ગોઠવાયેલી એ.સી.બી.ની ટુકડીએ દરોડો પાડીને બંને અધિકારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા અને સ્વીકારેલી રૂ. ૪૦,૦૦૦ ની સમગ્ર રકમ રીકવર કરી લીધી હતી. સરકારી હોદ્દાનો દુરૂપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂંક આચરવા બદલ બંને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

આ સમગ્ર સફળ કામગીરી નર્મદા એ.સી.બી.ના પી.આઈ. ડી.ડી. વસાવા દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર ટ્રેપનું સુપરવિઝન વડોદરા એકમના ઈન્ચાર્જ મદદનીશ નિયામક બી.એમ. પટેલ અને વડોદરા એ.સી.બી.ના નાયબ નિયામક IPS બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

(8:20 PM IST)