તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
પોરબંદરના માધવપુર દરિયામાં પગ બોળવા ગયેલા મહિલા યાત્રાળુનું તણાઈ જતા મોત :બચાવવા દરિયામાં પડેલા વ્યક્તિની હાલત ગંભીર
સ્થાનિક યુવકોએ બંનેને દરિયામાંથી બહાર કાઢ્યા: પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો:ઘટનાને પગલે યાત્રાળુઓમાં શોકની લાગણી છવાઈ

પોરબંદરના માધવપુર દરિયાકિનારે દુઃખદ ઘટના સામે આવી છે. દરિયામાં પગ બોળવા ગયેલી મહિલા યાત્રાળુનું મોજામાં તણાઈ જવાથી મોત થયું છે. અંજલીબેન શર્મા નામની મહિલા યાત્રાળુ દરિયાના પાણીમાં તણાઈ ગયા હતી. મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે બચાવવા પડેલા એક યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ અંજલીબેન શર્મા અન્ય યાત્રાળુઓ સાથે માધવપુર દરિયાકિનારે આવ્યા હતા. દરમિયાન તેઓ દરિયામાં પગ બોળવા ગયા હતા. જોકે, દરિયામાં અચાનક આવેલા મોજાના કારણે તેઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. મહિલા યાત્રાળુને દરિયામાં તણાતા જોઈ આસપાસના લોકોમાં દોડધામ મચી હતી.
મહિલાને બચાવવાનો પ્રયાસ કરવા એક વ્યક્તિ પણ દરિયામાં પડ્યા હતા. જોકે, બચાવ કામગીરી દરમિયાન તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને દરિયામાં તણાઈ ગયા હતા. બંનેને સ્થાનિક યુવકોએ ભારે જહેમત બાદ દરિયામાંથી બહાર કાઢ્યા હતા.
આ ઘટનામાં અંજલીબેન શર્માનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, મહિલાને બચાવવા દરિયામાં પડેલા વ્યક્તિની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મહિલાના મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
માધવપુર દરિયાકિનારે બનેલી આ દુઃખદ ઘટનાને પગલે યાત્રાળુઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. દરિયાકિનારે ફરવા કે પગ બોળવા જતા લોકો માટે દરિયાના મોજા અને પાણીના પ્રવાહને લઈને સાવચેતી રાખવી જરૂરી છે
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
