તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
કતારગામમાં યુવકની હત્યાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો
અગાઉના ઝઘડાની અદાવતમાં છરીના ઘા મારી 36 વર્ષીય કલ્પેશ પારઘીની હત્યા; ચોકબજાર પોલીસે ત્રણ આરોપીને છરી અને બાઈક સાથે ઝડપી પાડ્યા

સુરત: કતારગામના પ્રભુનગર-01ના ગેટ પાસે 36 વર્ષીય યુવકની છરીના ઘા મારી હત્યા કરવાના બનાવનો ચોકબજાર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલી છરી અને મોટરસાયકલ પણ કબજે કરી છે.
મળતી માહિતી મુજબ, તા.16 ઓગસ્ટની રાત્રે કલ્પેશ જીર્વણભાઈ પારઘી (ઉ.વ.36) કતારગામ પ્રભુનગર-01ના ગેટ પાસે જાહેરમાં બેઠા હતા. દરમિયાન રાત્રે પોણા અગિયાર વાગ્યાના અરસામાં મોટરસાયકલ પર આવેલા ત્રણ શખ્સોએ કલ્પેશ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. કમરની જમણી બાજુ, જમણા પગના થાપા પાસે, ડાબા પગની સાથળ અને ડાબી બાજુ કમર પાસે છરીના ઘા મારી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ગંભીર ઈજાઓને પગલે કલ્પેશનું મોત થયું હતું.
CCTV અને ટેકનિકલ એનાલિસિસથી આરોપીઓ સુધી પહોંચ્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ચોકબજાર પોલીસની સર્વેલન્સ ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે અલગ-અલગ વિસ્તારોના CCTV ફૂટેજ ચેક કર્યા હતા તેમજ બાતમીદારોને સક્રિય કર્યા હતા. આ ઉપરાંત શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આશરે 32 આરોપીઓની તપાસ કરી ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું.
દરમિયાન સર્વેલન્સ ટીમને હ્યુમન સોર્સ મારફતે મળેલી બાતમીના આધારે ત્રણેય આરોપીઓને ઓળખી કાઢવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓને હત્યામાં વપરાયેલી છરી અને મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા હતા.
જૂના ઝઘડાની અદાવતમાં હત્યા
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે મૃતક કલ્પેશ પારઘી અને આરોપી ડેનીશ ઉર્ફે ડેનીયો ઘોઘારી વચ્ચે અગાઉ ગાળાગાળી અને ઝઘડો થયો હતો. આ જૂના ઝઘડાની અદાવત રાખી ડેનીશે અન્ય બે સાગરીતો સાથે મળીને કલ્પેશ પર છરી વડે હુમલો કરી તેની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ત્રણ આરોપીની ધરપકડ
ચોકબજાર પોલીસે હત્યાના ગુનામાં ડેનીશ ઉર્ફે ડેનીયો ભુપતભાઈ ઘોઘારી (ઉ.વ.24), ભગીરથ ઉર્ફે ભગી રણુભાઈ મકવાણા (ઉ.વ.22) અને સુરેશ ઉર્ફે એસ.કે. સોમાભાઈ બાવળિયા (ઉ.વ.23)ની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી ડેનીશ સામે અગાઉ ચોરી, ઘરફોડ ચોરી, પ્રોહિબિશન અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે ભગીરથ સામે ચોરી, ઘરફોડ ચોરી અને સ્નેચિંગ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
આ મામલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 103(1), 54 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડા, II પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. રાઠવા, PSI વી.ટી. ડોડિયા સહિતની સર્વેલન્સ ટીમે ઝડપી કામગીરી કરી ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
