<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પરિવર્તિત માર્ગનો શુભારંભ: ઢસા અને ચીતલથી અપાઈ લીલી ઝંડી

હવે આ ટ્રેન ઢસા, ચીતલ, બોટાદ, ધંધુકા અને ગાંધીગ્રામ થઈને દોડશે: જુઓ સંપૂર્ણ સમયપત્રક

અમદાવાદ :રેલવે બોર્ડની સત્તાવાર મંજૂરી બાદ વેરાવળ-સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 26902/26901)ના પરિવર્તિત માર્ગનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. ઢસા રેલવે સ્ટેશન ખાતેથી કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા અને ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદજી ટુંડિયાએ લીલી ઝંડી દર્શાવીને ટ્રેનને નવા માર્ગ પર રવાના કરી હતી. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ ઉપસ્થિત જનપ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું.

બીજી તરફ, ચીતલ સ્ટેશન પરથી ગુજરાત સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા દ્વારા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી સેવાનો પ્રારંભ કરાવાયો હતો, જ્યાં અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્માએ સ્વાગતવિધિ કરી હતી.

 

 

 

આ ઐતિહાસિક ક્ષણના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય શંભુપ્રસાદજી ટુંડિયા અને બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા સહિતના અગ્રણીઓએ બોટાદથી ઢસા જંક્શન સુધી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી. સફર દરમિયાન મંત્રી તથા અધિકારીઓએ મુસાફરો સાથે સીધો સંવાદ સાધીને તેમની પ્રતિક્રિયા જાણી હતી.

બોટાદ, ધોળા અને ઢસા સ્ટેશનો પર ટ્રેનના આગમન સમયે સ્થાનિક નાગરિકો અને રેલ મુસાફરોએ ભારે ઉત્સાહ સાથે સ્વાગત કર્યું હતું અને નવી રેલ સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોલિયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

વંદે ભારત એક્સપ્રેસના રૂટમાં કરાયેલા આ સુધારાથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. હવે આ ટ્રેન જૂનાગઢ, ચીતલ, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા અને ગાંધીગ્રામ સ્ટેશનો પર સ્ટોપેજ લેશે, જેનાથી આ વિસ્તારના વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરોને ઝડપી, આરામદાયક અને સમયબદ્ધ રેલ મુસાફરીનો લાભ મળશે.

 

ટ્રેનનું સમયપત્રક અને સ્ટેશન વાઇઝ ટાઇમિંગ્સ

 

આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ બંને દિશામાં દોડશે.

વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 26902): વેરાવળથી બપોરે 03:50 વાગ્યે ઉપડીને રાત્રે 10:25 વાગ્યે સાબરમતી પહોંચશે.

સ્ટેશનો પર સમય: જૂનાગઢ (04:48), ચીતલ (06:04), ઢસા (06:28), ધોળા (06:50), બોટાદ (07:30), ધંધુકા (08:10), ધોળકા (09:00) અને ગાંધીગ્રામ (09:50).

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 26901): સાબરમતીથી સવારે 06:૦૦ વાગ્યે ઉપડીને બપોરે 12:50 વાગ્યે વેરાવળ પહોંચશે.

સ્ટેશનો પર સમય: ગાંધીગ્રામ (06:16), ધોળકા (06:50), ધંધુકા (07:35), બોટાદ (08:20), ધોળા (08:48), ઢસા (09:17), ચીતલ (09:43) અને જૂનાગઢ (11:00).

 

 

 

વંદે ભારત એક્સપ્રેસમાં કુલ 8 કોચ આપવામાં આવ્યા છે, જેમાં 7 ચેર કાર અને 1 એક્ઝિક્યુટિવ ચેર કારનો સમાવેશ થાય છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે ટ્રેનમાં નાઇટ-વિઝન CCTV કેમેરા, સેન્સર આધારિત દરવાજા, ટચ-ફ્રી બાયો-વેક્યુમ શૌચાલય, ઓન-બોર્ડ Wi-Fi અને ગરમ પાણી તથા ચા-કોફી માટે મિની પેન્ટ્રીની સુવિધા ઉપલબ્ધ છે.

આ ઉપરાંત, દરેક સીટ નીચે મોબાઇલ અને લેપટોપ ચાર્જિંગ પોઇન્ટ, મુસાફરીની માહિતી આપતી PIS સ્ક્રીન, દિવ્યાંગો માટે અનુકૂળ સુવિધાઓ તેમજ ટિકિટ બુકિંગ સમયે ઓન-સીટ કેટરિંગ (નાસ્તો અને ભોજન) પસંદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

(11:26 PM IST)