તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
સાબરકાંઠા જિલ્લામાં મધ્યાહ્ન ભોજનમાંથી ગરોળી નીકળવાના કેસમાં શિક્ષકને ફરજમુક્ત અને આચાર્યને નોટિસ સામે શૈક્ષણિક સંઘ મેદાનમાં
પીએમ પોષણ યોજના હેઠળ ભોજન બનાવવાની જવાબદારી અલગ હોવાથી શિક્ષકને પુનઃ ફરજ પર લેવા કલેક્ટરને આવેદનપત્ર સોંપાયું

સાબરકાંઠા જિલ્લામાં શાળાના મધ્યાહ્ન ભોજનમાંથી ગરોળી નીકળવાની બનેલી ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા શિક્ષક અને આચાર્ય સામે કરવામાં આવેલી શિક્ષાત્મક કાર્યવાહી સામે શૈક્ષણિક આલમમાં ઉગ્ર રોષ ફેલાયો છે. આ મામલે પ્રાથમિક શૈક્ષણિક સંઘ અમદાવાદ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર સુપરત કરીને શિક્ષકને પુનઃ ફરજ પર લેવા તેમજ આચાર્ય સામેની નોટિસ તાત્કાલિક પાછી ખેંચવાની ભારપૂર્વક માંગણી કરવામાં આવી છે.
ગત 10 ઓગસ્ટના રોજ સાબરકાંઠા પંથકની શાળામાં પી.એમ. પોષણ યોજના અંતર્ગત બાળકોને પીરસવામાં આવેલા મધ્યાહ્ન ભોજનમાંથી ગરોળી નીકળી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો હતો. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં ભરીને સંબંધિત શિક્ષકને ફરજમુક્ત કરી દેવામાં આવ્યા હતા તેમજ શાળાના આચાર્યને વહીવટી ક્ષતિ અંગે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.
શૈક્ષણિક સંઘે આવેદનપત્રમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, સરકારની પી.એમ. પોષણ યોજના અંતર્ગત શાળાઓમાં ભોજન બનાવવાનું, રાંધવાનું અને સામગ્રીની સ્વચ્છતા રાખવાનું સમગ્ર કામ સ્થાનિક રસોઈયા અને અલગ એજન્સી કે મહિલા મંડળોને સોંપાયેલું હોય છે. શાળાના શિક્ષકોની ભૂમિકા માત્ર નિયત સમયપત્રક મુજબ ભોજનની સામાન્ય દેખરેખ રાખવા પૂરતી સીમિત હોય છે. રસોઈ બનાવવાની પ્રક્રિયા દરમિયાન થતી ક્ષતિ કે ગેરરીતિ માટે સીધેસીધા શિક્ષક કે આચાર્યને જવાબદાર ઠેરવીને તેમની સામે દંડાત્મક પગલાં ભરવા તદ્દન અન્યાયી અને અયોગ્ય છે.
પ્રાથમિક શૈક્ષણિક સંઘે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે કે, નિર્દોષ શિક્ષક પરથી ફરજમુક્તિનો આદેશ પાછો ખેંચી તેમને તાત્કાલિક પુનઃ ફરજ પર લેવામાં આવે અને આચાર્યને આપવામાં આવેલી વહીવટી નોટિસ રદ કરવામાં આવે. સંઘે ચેતવણી આપી છે કે જો શિક્ષકો પર થતી આવી એકતરફી કાર્યવાહી બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
