તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
સોજીત્રાની લિંબાલી પ્રાથમિક શાળાના આચાર્યની ઓફિસમાંથી 50 ખાલી અને 2 અડધી ભરેલી દારૂની બોટલો મળતા ચકચાર
શિક્ષણના ધામમાં દારૂ મળતા શિક્ષણ જગત કલંકિત થયું: ઇન્ચાર્જ TPEOની ફરિયાદના આધારે પોલીસે સુરેશ મગનભાઈ માછી સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાંથી સરસ્વતીના ધામને લાંછન લગાવતી એક અત્યંત શરમજનક અને ચકચારી ઘટના સામે આવી છે. સોજીત્રાના લિંબાલી પ્રાથમિક શાળામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શાળાના આચાર્યની ઓફિસની તિજોરીમાંથી 50 જેટલી ખાલી બોટલો અને ટેબલ પરથી 2 અડધી ભરેલી દારૂની બોટલ મળી આવતા સ્થાનિક વાલીઓ અને શિક્ષણ જગતમાં ભારે આક્રોશ ફેલાયો છે.
વિગતો અનુસાર, લિંબાલી ગામની પ્રાથમિક શાળામાં આચાર્યની ઓફિસમાં દારૂ છુપાવાતો હોવાની અને ત્યાં મહેફિલ જામતી હોવાની ગંધ આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઓફિસની સરકારી તિજોરીમાંથી 50 જેટલી દારૂની ખાલી બોટલોનો જથ્થો જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઉપરાંત આચાર્યના ટેબલ પરથી પણ 2 અડધી ભરેલી દારૂની બોટલો મળી આવી હતી. જે તિજોરીમાં શિક્ષણના મહત્વના દસ્તાવેજો અને પુસ્તકો હોવા જોઈએ, ત્યાંથી દારૂનો જથ્થો મળતા અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.
વિદ્યાર્થીઓને સંસ્કાર અને શિક્ષણ આપતા સરસ્વતીના મંદિરમાં આ પ્રકારે ખુલ્લેઆમ દારૂની બોટલો મળવાની ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતને કલંકિત કર્યું છે. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા અને આક્ષેપ થઈ રહ્યા છે કે શું શાળાને દારૂ છુપાવવાનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો હતો? બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરી શિક્ષણ સંસ્થામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોના ઈશારે અને કેટલા સમયથી ચાલી રહી હતી તે પણ એક મોટો સવાલ છે.
આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે સોજીત્રા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે સુરેશ મગનભાઈ માછી નામના શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. શાળા પરિસરમાં દારૂ પહોંચાડવા પાછળ કોનો હાથ છે અને આ પ્રકરણમાં અન્ય સ્ટાફની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
