<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

ગાંધીનગર સ્થિત શુકન સ્કાય કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી

તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રભક્તિનો સંદેશ ધ્વજવંદન અને ‘વિકસિત ભારત @2047’ માટે સંકલ્પ :દેશભક્તિના રંગે રંગાયું શુકન સ્કાય સોસાયટીનું સમગ્ર પરિસર

ગાંધીનગર : શુકન સ્કાય કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે આજે દેશના ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય અને ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના સભ્યો, બાળકો અને પરિવારજનો મોટી સંખ્યામાં જોડાઈને દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને જીવંત કરી હતી. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ સોસાયટીના સભ્યો દ્વારા ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં તિરંગો લઈને સોસાયટીના સભ્યોએ ઉત્સાહપૂર્વક યાત્રામાં ભાગ લીધો હતો. સમગ્ર વાતાવરણ દેશભક્તિના નારા અને રાષ્ટ્રપ્રેમની લાગણીથી ગુંજી ઊઠ્યું હતું. તિરંગા યાત્રા બાદ સોસાયટીના પરિસરમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન સાથે દેશ પ્રત્યેના ગૌરવ અને સન્માનની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. સોસાયટીના સમગ્ર પરિસરને રાષ્ટ્રીય ધ્વજ અને તિરંગાની થીમથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. 

    આ પ્રસંગે સોસાયટીના તમામ સભ્યોએ ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને સાકાર કરવામાં પોતાની જવાબદારી અને સક્રિય ભાગીદારી નિભાવવાની શપથ લીધી હતી. દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા તેમજ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ખાસ કરીને સોસાયટીના બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. અનેક બાળકોએ ભારતીય સેનાના જવાનોના યુનિફોર્મમાં ઉપસ્થિત રહીને સૌનું ધ્યાન આકર્ષ્યું હતું અને દેશના સૈનિકો પ્રત્યે સન્માન તથા કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.‌

  સમગ્ર કાર્યક્રમનું આયોજન સોસાયટીના કમિટી સભ્યો અને મેનેજમેન્ટ દ્વારા સુંદર આયોજન અને ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું. સભ્યોની એકતા, બાળકોનો ઉત્સાહ અને દેશભક્તિના માહોલને કારણે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી યાદગાર બની હતી. શુકન સ્કાય સોસાયટીના આ કાર્યક્રમ દ્વારા ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે એકતા, દેશભક્તિ અને વિકસિત ભારતના નિર્માણમાં નાગરિકોની ભાગીદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો

(8:18 PM IST)