તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
અમદાવાદમાં એસીબીની મોટી કર્યવાહી :રાજ્ય વેરા વિભાગના બે સરકારી અધિકારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ટેક્સ ન ભરવાના કારણે ફ્રીઝ કરાયેલા બેંક એકાઉન્ટને ફરીથી ચાલુ કરવા અને અનફ્રીઝ કરવાના બદલામાં આ અધિકારીઓએ ફરિયાદી પાસે નાણાંની માંગણી કરી હતી

અમદાવાદ :એન્ટી કરપ્શન બ્યુરો અમદાવાદ યુનિટે અમદાવાદ શહેરના સ્ટેટ જીએસટી વિભાગમાં ફરજ બજાવતા બે સરકારી અધિકારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે,ટેક્સ નહીં ભરવાના મામલે ફ્રીઝ કરવામાં આવેલા બેંક એકાઉન્ટને ફરીથી અનફ્રીઝ કરવા માટે લાંચ માંગવામાં આવી હતી, જેને એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવીને પકડી પાડી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીના વેપાર કે વ્યવસાય સંબંધિત બાબતોમાં ટેક્સ સમયસર ન ભરાયા હોવાના કારણે તેમનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. આ બેંક ખાતાને ફરીથી ચાલુ કરવા અને અનફ્રીઝ કરવા માટે અમદાવાદની ઘટક-6 કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા ફરિયાદી પાસે ગેરકાયદે રીતે નાણાંની માંગણી કરવામાં આવી હતી. બંને ભ્રષ્ટ અધિકારીઓએ આ કામના બદલામાં કુલ 25,000 રૂપિયાની લાંચ પેટે રકમ માગી હતી.
ફરિયાદી આ લાંચ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક સફળ છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્ટેટ ટેક્સ ઓફિસર કમલેશકુમાર ઠાકોર અને કર નિરીક્ષક મોહમંદ અઝીઝ કાદરખાન મન્સુરી ફરિયાદી પાસેથી 25,000 રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
એસીબીની ટીમે બંને આરોપી અધિકારીઓની અટકાયત કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. સરકારી કચેરીઓમાં પ્રવર્તતી લાંચ-રૂશ્વતની પ્રવૃત્તિઓ સામે એસીબીની આ કડક કાર્યવાહીથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
