તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th August 2026
મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ: ખાટા ગામમાં કાચા મકાનની દીવાલ ધરાશાયી: બે માસુમ બાળકોના દબાઈ જવાથી કરૂણમોત
કાચા મકાનમાં માસુમ બાળકો રમતા હતા ત્યારે વરસાદના કારણે મકાનની ભેજવાળી અને નબળી પડેલી દીવાલ અચાનક ધરાશાયી થતા બાળકો કંઈ સમજે કે ભાગી શકે તે પહેલા જ ભારે મલબો તેમની ઉપર ખાબક્યો

મહીસાગર જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન મુસળધાર વરસાદે ભારે તારાજી સર્જી છે. જિલ્લામાં પડાતા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં કાચા મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ દરમિયાન જિલ્લાના ખાટા ગામે અત્યંત અરેરાટીભરી અને કરુણ દુર્ઘટના સામે આવી છે, જ્યાં કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં બે માસુમ બાળકોના ઘટનાસ્થળે જ દબાઈ જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખાટા ગામે આવેલા એક કાચા મકાનમાં માસુમ બાળકો રમી રહ્યા હતા. તે સમયે જ સતત વરસી રહેલા વરસાદના કારણે મકાનની ભેજવાળી અને નબળી પડેલી દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. રમી રહેલા બાળકો કંઈ સમજે કે ભાગી શકે તે પહેલા જ ભારે મલબો તેમની ઉપર ખાબક્યો હતો, જેના કારણે બંને બાળકો દીવાલના કાટમાળ નીચે ગંભીર રીતે દબાઈ ગયા હતા.
દુર્ઘટના સર્જાતા જ આસપાસના લોકો અને ગ્રામજનો તુરંત જ મદદે દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડીને બાળકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, ગંભીર ઇજાઓ થવાના કારણે 2 વર્ષ અને 4 વર્ષની વયના બંને બાળકના નીપજેલા મોતથી આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
મહીસાગર જિલ્લામાં થઈ રહેલા સતત ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં આવેલા અનેક કાચા મકાનો અને નબળા બાંધકામોને ભારે નુકસાન પહોંચ્યું છે. ચોમાસાની આ સિઝનમાં કાચા મકાનો ધરાશાયી થવાના જોખમને પગલે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જર્જરિત કે કાચા બાંધકામોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. બે માસુમ જીવ ગુમાવવાની આ દુર્ઘટનાથી સમગ્ર મહીસાગર જિલ્લામાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
