તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
ગાંધીનગરની આનંદનીકેતન શાળામાં નાસ્તામાંથી કાચના ટુકડા મળ્યાના ગંભીર બનવું બાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ તેજ : નોટિસ ફટકારી
અધિકારીઓએ આનંદનીકેતન અને કોબા DPS કેન્ટિનમાંથી બે ખાદ્ય પદાર્થોના નમૂના લીધા : સેનિટેશન અને હાઈજીનમાં ક્ષતિઓ સામે આવતાં ઈમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવી શાળાઓમાં હાઈ ફેટ, શુગર અને સોલ્ટ યુક્ત ખોરાક ન પીરસવા કડક આદેશ આપ્યો

ગાંધીનગર સ્થિત આનંદનીકેતન શાળામાં વિદ્યાર્થીઓને અપાતા નાસ્તામાંથી કાચના ટુકડા મળી આવવાના ગંભીર બનાવ બાદ રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. ગાંધીનગર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને શાળા પરિસર અને કોબા સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલની કેન્ટિનમાં વિસ્તૃત તપાસ હાથ ધરી ઈમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવી છે.
ગાંધીનગરની જાણીતી આનંદનીકેતન શાળામાં ભણતા માસુમ બાળકોને અપાતા નાસ્તામાંથી કાચના ટુકડા નીકળતા વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો. બાળકોના જીવને જોખમમાં મૂકતી આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશને બનાવની ગંભીરતાથી નોંધ લીધી હતી.
તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમે શાળાના કેટરિંગ વિભાગ અને કેન્ટિનમાં જઈને પીરસવામાં આવતી તમામ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા ચકાસવા માટે આકસ્મિક દરોડા પાડ્યા હતા.
માત્ર આનંદનીકેતન શાળા જ નહીં, પરંતુ ગાંધીનગર અને આસપાસના વિસ્તારની અન્ય ખાનગી શાળાઓમાં પણ ફુડ વિભાગે તપાસ લંબાવી હતી. તપાસ ટીમે કોબા સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) ની કેન્ટિનની પણ સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી.
વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા નાસ્તા, ભોજન અને બેવરેજીસની સઘન ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અધિકારીઓએ કેન્ટિનના સ્ટોરેજ એરિયા, શાકભાજી કાપવાના સ્થળ અને રસોડાની આસપાસની સ્વચ્છતાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ સ્થળ પરથી શંકાસ્પદ જણાતી બે મહત્વપૂર્ણ ખાદ્ય ચીજોના સેમ્પલ લઈને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ દરમિયાન શાળા કેન્ટિનમાં સેનિટેશન અને હાઈજીનિક કન્ડિશન (આરોગ્યપ્રદ પરિસ્થિતિ) ને લઈને અનેક ગંભીર ખામીઓ અને ક્ષતિઓ પ્રકાશમાં આવી હતી. રસોડાના વિસ્તારમાં જરૂરી અન્ન સુરક્ષાના ધોરણોનું પાલન થતું ન હોવાનું માલૂમ પડ્યું હતું.
આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને ફૂડ સેફ્ટી ઓફિસરે શાળા સંચાલકો તેમજ કેન્ટિનના કોન્ટ્રાક્ટરને કાયદાકીય ઈમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવી છે. નિર્ધારિત સમયમર્યાદામાં સેનિટેશન અને સ્વચ્છતાના ધોરણોમાં સુધારો નહીં કરવામાં આવે તો કેન્ટિનનું લાઇસન્સ રદ કરવા સહિતની સખત કાનૂની કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
તપાસ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શાળા સંચાલકોને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ દિશાનિર્દેશો પણ આપ્યા હતા. શાળાઓમાં બાળકોને વધારે પડતી ચરબી (High Fat), વધુ પડતી ખાંડ (High Sugar) અને વધુ પડતું મીઠું ધરાવતો જંક ફૂડ કે અસ્વસ્થ નાસ્તો ન પીરસવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.
આ ઘટના બાદ ગાંધીનગરની તમામ શાળાઓમાં પીરસાતા ભોજનની ગુણવત્તા સુધારવા અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિયમિત ધોરણે ચેકિંગ ડ્રાઈવ ચલાવવાનો તંત્રએ નિર્ણય લીધો છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
