<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

વંદે માતરમ્ માત્ર ગાન નથી, પરંતુ ભારતની આત્મા, ઓળખ અને 140 કરોડ દેશવાસીઓના સ્વાભિમાનનું પ્રતીક છે : જગદીશભાઈ વિશ્વકર્મા

વંદે માતરમ્ માત્ર કંઠસ્થ કરવા નહીં, પરંતુ તેને પોતાના જીવન અને અંતરમાં ઉતારવા યુવાનોને આહ્વાન કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા:પ્રદેશ યુવા મોરચાના ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ અભિયાન’નો અમદાવાદ ખાતેથી પ્રારંભ કરાવતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા :અભિયાનને મંડલ સ્તર સુધી લઈ જઈ વધુમાં વધુ યુવાનોને જોડવાનો પ્રયાસ કરાશે : ડૉ. હેમાંગભાઈ જોશી: વંદે માતરમ્ માત્ર ગીત નથી, પરંતુ ભારતમાતા પ્રત્યે સમર્પણ, દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણની પ્રેરણાનો મંત્ર છે: કિરીટભાઇ પટેલ

અમદાવાદ :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં આજે ભાજપા યુવા મોરચાના ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ અભિયાન’નો ભવ્ય પ્રારંભ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતેથી કરવામાં આવ્યો હતો. પ્રદેશ યુવા મોરચા દ્વારા ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ અભિયાન’ 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ કાર્યક્રમ દરમિયાન અભિયાનનું પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ આગેવાનો, કાર્યકરો અને યુવાનોએ વંદે માતરમ્ અને ભારત માતા કી જય ના જયઘોષ સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માને જન્મદિનની શુભકામનાઓ પાઠવી હતી.
   આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ  જગદીશભાઈ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશમાં સૌ પ્રથમ વખત યોજાઇ રહેલા ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ અભિયાન’નો ઉદ્દેશ્ય યુવાનોના હૃદયમાં વંદે માતરમ્ ગાન અને રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ, આદર અને રાષ્ટ્રભાવના વધુ મજબૂત કરવાનો છે. વંદે માતરમ્ માત્ર ગાન નથી, પરંતુ ભારતની આત્મા, ઓળખ અને 140 કરોડ દેશવાસીઓના સ્વાભિમાનનું પ્રતીક છે.
    તેમણે જણાવ્યું કે, વંદે માતરમ્ ની રચનાના 150 વર્ષ અને તેના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના જન્મના 188મા વર્ષના અવસરે તેમનું સ્મરણ કરીને વંદન કરવું એ સૌ માટે ગૌરવની વાત છે. સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન વંદે માતરમ્ રાષ્ટ્રવાદી ભાવનાનું શક્તિશાળી પ્રતીક બન્યું હતું. અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ વંદે માતરમ્ ગાન ના બુલંદ નાદ સાથે દેશ માટે બલિદાન આપ્યું હતું. બ્રિટિશ શાસનને પણ તેની પ્રચંડ રાષ્ટ્રવાદી અસરને કારણે તેના ઉપયોગ પર નિયંત્રણો મૂકવાની ફરજ પડી હતી.
 વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે, ભારતને ‘ભારત માતા’ તરીકે સંબોધીને માતૃભૂમિની વંદના કરવાની પરંપરા ભારતની વિશિષ્ટ સાંસ્કૃતિક ઓળખ છે. ભારત માતા 140 કરોડ નાગરિકોનું ગૌરવ છે અને દેશની રક્ષા માટે આપણા જવાનો ભારત માતાની સેવા કરી રહ્યા છે. વંદે માતરમ્ એ રાષ્ટ્રની શક્તિ અને દેશપ્રેમની ચેતના જગાડતું ગાન છે. તેમણે યુવાનોને વંદે માતરમ્ માત્ર કંઠસ્થ કરવા નહીં, પરંતુ તેને પોતાના જીવન અને અંતરમાં ઉતારવા આહ્વાન કર્યું હતું.
પ્રદેશ અધ્યક્ષએ જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના પત્રોના અંતે ‘વલ્લભભાઈના વંદે માતરમ્’ લખતા હતા. આજે પણ વંદે માતરમ્ દેશની રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને રાષ્ટ્રભાવના સાથે જોડવાનું આ અભિયાન મહત્વપૂર્ણ સાબિત થશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.
પ્રદેશ યુવા મોરચાના પ્રભારી કિરિટભાઈ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું કે, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરણા અને ડો. હેમાંગભાઈ જોષીના નેતૃત્વમાં આગામી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં આ અભિયાન યોજાવાનું છ. 1896માં બંગાળ કોંગ્રેસ અધિવેશનમાં રવિન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ્ ગાન ગાયું હતું અને 1905ના બંગાળ વિભાજન વિરોધી આંદોલન દરમિયાન તે રાષ્ટ્રીય પ્રતિકારનો ઉદ્ઘોષ બન્યું હતું. વંદે માતરમ્ માત્ર ગીત નથી, પરંતુ ભારતમાતા પ્રત્યે સમર્પણ, દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણની પ્રેરણાનો મંત્ર છે. વિદ્યાર્થીની નિષ્ઠાપૂર્વકની મહેનત, ખેડૂતનું અન્ન ઉત્પાદન, સૈનિકની રાષ્ટ્રરક્ષા કે યુવાનની પ્રતિભા અને આધુનિક ટેક્નોલોજી દ્વારા દેશને વિશ્વમાં ગૌરવ અપાવવાની કામગીરી આ તમામ વંદે માતરમ્ ભાવનાના જ સ્વરૂપો છે. આ અભિયાનને ભવ્ય અને જનભાગીદારીપૂર્ણ બનાવી ગુજરાત યુવા મોરચાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય તેવો સંકલ્પ છે.
આ પ્રસંગે સાંસદ તથા ભાજપા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. હેમાંગભાઈ જોષીએ જણાવ્યું હતું કે, વંદે માતરમ્ ગાન સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે અંતિમ શ્વાસ સુધીની પ્રેરણાશક્તિ રહ્યું હતું. આજે યુવાનોમાં રાષ્ટ્રગૌરવ તથા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ચેતના જગાડવા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશને ગુલામીની માનસિકતામાંથી બહાર લાવવા અને ભારતની સ્વાભિમાની ઓળખને મજબૂત બનાવવાના અનેક પ્રયાસો થયા છે. નવા સંસદ ભવનમાં સેંગોલની સ્થાપના સહિતના નિર્ણયો ભારતીય પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવને પુનઃસ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં છે.
ડૉ. હેમાંગભાઈ જોષીએ વધુમાં જણાવ્યું કે, 12 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ ઝોનમાં કાર્યશાળાઓ યોજાશે. શાળા-કોલેજો, યુવક મંડળો અને વિવિધ સંસ્થાઓને જોડીને વંદે માતરમ્ અંગે વર્કશોપ યોજાશે. ડિજિટલ માધ્યમથી પણ યુવાનોને જોડવા માટે વેબસાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં યુવાનો વંદે માતરમ્ ગાન સાથે પોતાનો વીડિયો રેકોર્ડ કરીને અપલોડ કરી શકશે અને તેમને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ અભિયાનને સંગઠનના મંડલ સ્તર સુધી લઈ જઈ વધુમાં વધુ યુવાનોને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી અજયભાઇ બ્રહ્મભટ્ટ, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને સાંસદ ડૉ. હેમાંગભાઈ જોશી, પ્રદેશ યુવા મોરચાના પ્રભારી કિરિટભાઇ પટેલ, કર્ણાવતી મહાનગર ભાજપાના અધ્યક્ષ પ્રેરકભાઇ શાહ, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રીઓ ડો.નરેશભાઇ દેસાઇ, શ્રીમતી દેવાંગીબેન મૈયડ, ડૉ.ભાવિનભાઇ શિરોયા તેમજ યુવા મોરચાના સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ  અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(6:32 PM IST)