તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
રાજ્યની કળા, કારીગરી અને સંસ્કૃતિને ઓળખ આપતું ‘ગરવી ગુર્જરી’નું નવું સરનામું
ગાંધીનગરના કુડાસણ ખાતે 'ગરવી ગુર્જરી'ના નવીન શોરૂમનું ઉદ્ઘાટન કરતાં ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશ પટેલ:‘હેન્ડલૂમ’ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને ‘વોકલ ફોર લોકલ’ના વડાપ્રધાનના આહ્વાનને સાકાર કરવા સરકાર કટિબદ્ધ : મંત્રી નરેશ પટેલ:રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિ

ગાંધીનગર : ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકળા વિકાસ નિગમ લિમિટેડ સંચાલિત પ્રસિદ્ધ બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’ના અદ્યતન નવીન શોરૂમનું ઉદ્ઘાટન આજે ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશ પટેલના હસ્તે અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરના કુડાસણ ખાતે કરવામાં આવ્યું હતું. આ નવીન શોરૂમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતની પરંપરાગત હસ્તકળા, હાથશાળ વણાટકામ તેમજ આદિવાસી કળા-સંસ્કૃતિને પ્રોત્સાહન આપીને સ્થાનિક કારીગરો-કલાકારોને સશક્ત બનાવવાનો છે.
આ પ્રસંગે મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘હેન્ડલૂમ’ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના અને ‘વોકલ ફોર લોકલ’ના આહ્વાનને સાકાર કરવા માટે આપણી મૂળભૂત સાંસ્કૃતિક ઓળખ સમાન આ કળાઓ લુપ્ત ન થાય તે માટે સરકાર કટિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. રાજ્યના પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છ જેવા જિલ્લાઓના કારીગરો આજે પણ અથાક મહેનત કરીને આપણી પરંપરાગત કળાઓને જીવંત રાખી રહ્યા છે. આ નવા શોરૂમ દ્વારા એવી ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ગુજરાત સહિત દેશ અને વિદેશના નાગરિકો પણ અહીંના ઉત્પાદનોનો લાભ લઈ શકશે. આ પહેલથી નવી પેઢી પણ પ્રેરણા મેળવશે અને હસ્તકળા ક્ષેત્રે રોજગારી વધુ મજબૂત બનશે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ નવા શોરૂમમાં ગુજરાતની પરંપરાગત હાથશાળ વણાટ, હસ્તકળા, ભરતકામ, માટીકામ, મેટલ આર્ટ, ગૃહ સુશોભનની કલાત્મક વસ્તુઓ તેમજ આદિવાસી કળા-કારીગરીની વિશિષ્ટ ચીજવસ્તુઓ ઉપલબ્ધ રહેશે. આ પહેલ દ્વારા લુપ્તપ્રાય પરંપરાગત કળાઓને જાળવી રાખવાની સાથે સ્થાનિક કારીગરો અને કલાકારોને યોગ્ય બજાર, ઓળખ અને આત્મનિર્ભરતાની નવી તકો પૂરી પાડવામાં આવશે. આમ, ‘ગરવી ગુર્જરી’ માત્ર શોરૂમ નહીં, પરંતુ ગુજરાતની સમૃદ્ધ કલા-સંસ્કૃતિ, પરંપરાગત કારીગરી અને સ્થાનિક કારીગરોની પ્રતિભાનું જીવંત પ્રતિબિંબ છે.
આ પ્રસંગે કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ સચિવ-કમિશનર મોહમ્મદ સાહિદ, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા નિગમ ગરવી ગુર્જરીના એમ.ડી. શ્રીમતી આદ્રા અગ્રવાલ સહિત અધિકારીઓ, કલાપ્રેમીઓ અને ગાંધીનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
