તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
સાબરકાંઠાના ઇડરની હસનપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને અપાયેલ દાળમાં ગરોળી નીકળી : 45 બાળકોની તબિયત બગડી
શાળામાં મધ્યાહન ભોજનની મગની દાળમાં ગરોળી નીકળતા આશરે 45 બાળકોની તબિયત બગડતા સારવાર માટે ઇડર સિવિલ હોસ્પિટલમાં ખસેડયા :ફૂડ પોઇઝનિંગની આશંકા વચ્ચે આરોગ્ય, પુરવઠા અને મધ્યાહન ભોજન વિભાગે તપાસ શરૂ કરી

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં મધ્યાહન ભોજનને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇડરની હસનપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલી મગની દાળમાં ગરોળી નીકળતા ભારે હડકંપ મચી ગયો હતો. દાળ આરોગ્યા બાદ આશરે 45 જેટલા બાળકોની તબિયત અચાનક લથડતા શાળા તંત્ર અને સ્થાનિક વહીવટીતંત્ર દોડતું થયું છે.
માહિતી મુજબ વિદ્યાર્થીઓએ મધ્યાહન ભોજન દરમિયાન મગની દાળ ખાધી હતી. થોડા સમય બાદ બાળકોને ઊલટી, ચક્કર અને બેચેની જેવી તકલીફો શરૂ થતાં શિક્ષકોએ તાત્કાલિક આરોગ્ય તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ તમામ અસરગ્રસ્ત બાળકોને સારવાર માટે ઇડર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાએ મધ્યાહન ભોજન યોજનાની ગુણવત્તા અને દેખરેખ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો અને વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે મધ્યાહન ભોજન વિભાગની બેદરકારીના કારણે નિર્દોષ બાળકોને ભોગ બનવું પડ્યું છે. ભોજન બનાવતી વખતે સ્વચ્છતા અને ગુણવત્તાની પૂરતી ચકાસણી કરવામાં આવી હતી કે નહીં તે મુદ્દે ચર્ચા તેજ બની છે.
ફૂડ પોઇઝનિંગની આશંકા ઉભી થતાં આરોગ્ય વિભાગ, પુરવઠા વિભાગ અને મધ્યાહન ભોજન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. દાળના નમૂનાઓ તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાની વાસ્તવિક કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
હાલ ઇડર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બાળકોની સ્થિતિ પર તબીબો સતત નજર રાખી રહ્યા છે. ઘટનાને પગલે વાલીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
