તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
ઝાલોદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તા પેટે રૂ.૧૦,૦૦૦ની લાંચ લેતા એન્જિનીયર જયેશકુમાર પટેલ અને વેપારી મનુભાઈ વસૈયા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયા
મહીસાગર એસીબી પીઆઈ એમ.એમ.તેજોતની સફળ ટ્રેપ : પંચમહાલ એકમના મદદનીશ નિયામક બી.એમ.પટેલ અને વડોદરા એસીબી નાયબ નિયામક બળદેવ દેસાઈ IPSના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

ઝાલોદ: પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા ઘરના હપ્તા જમા કરાવવાના બદલામાં રૂ.૧૦,૦૦૦ની લાંચ માંગનાર ઝાલોદ નગરપાલિકાના કરાર આધારિત એન્જિનીયર અને તેના વતી લાંચ સ્વીકારનાર એક વેપારીને મહીસાગર એસીબીની ટીમે સફળ છટકું ગોઠવીને ઝડપી પાડ્યા છે.
ઘટનાની વિગતો અનુસાર, ઝાલોદના એક જાગૃત નાગરિકને પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ આવાસ મંજૂર થયું હતું. જેના પ્રથમ હપ્તાના રૂ.૭૦,૦૦૦ બેંક ઓફ બરોડાની ઝાલોદ શાખામાં જમા થતાં, આરોપી ઝાલોદ નગરપાલિકાના અફોર્ડેબલ હાઉસિંગ મિશનના ૧૧ માસના કરાર આધારિત એન્જિનીયર જયેશકુમાર જયંતીલાલ પટેલ (ઉ.વ. ૩૫, મૂળ રહે. કાંસા, તા. વિસનગર, જી. મહેસાણા, હાલ રહે. મુવાડા ઝાલોદ) દ્વારા રૂ.૫,૦૦૦ની લાંચ માંગવામાં આવી હતી. ત્યારબાદ બીજા હપ્તાના રૂ.૮૦,૦૦૦ ખાતામાં જમા થતાં પણ રૂ.૧૦,૦૦૦ની લાંચ લેવામાં આવી હતી.
ત્યારબાદ ત્રીજા હપ્તાના રૂ.૧,૫૦,૦૦૦ ફરિયાદીના ખાતામાં જમા થતાં ફરીથી રૂ.૧૦,૦૦૦ની લાંચની માંગણી કરવામાં આવી હતી. જોકે, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે મહીસાગર એસીબી પો.સ્ટે. લુણાવાડાનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે તા.૧૦/૦૮/૨૦૨૬ના રોજ મુવાડા ચોકડી ઝાલોદ પોલીસ ચોકીની બાજુમાં આવેલા પાન-મસાલાના ગલ્લા ઉપર લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપી એન્જિનીયર જયેશકુમાર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૧૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી અને આ રકમ બીજા આરોપી મનુભાઈ ચંદુભાઈ વસૈયા (ઉ.વ. ૪૯, ધંધો-વેપાર, રહે. મુવાડા, તા. ઝાલોદ, જી. દાહોદ)ને આપી દેવા જણાવ્યું હતું. પંચ-૧ની હાજરીમાં આરોપી જયેશકુમારના કહેવાથી આરોપી મનુભાઈ વસૈયાએ રૂ.૧૦,૦૦૦ની લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે બંનેને રંગેહાથ ઝડપી પાડી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સફળ ટ્રેપની કામગીરી મહીસાગર એસીબી પો.સ્ટે. લુણાવાડાના પો.ઈન્સ. એમ.એમ.તેજોત દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન એસીબી પંચમહાલ એકમ ગોધરાના મદદનીશ નિયામક બી.એમ.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર ટ્રેપનું માર્ગદર્શન એસીબી વડોદરાના નાયબ નિયામક અને ઈન્ચાર્જ અધિકારી બળદેવ દેસાઈ IPS દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
