News of Monday, 10th August 2026
સુરતમાં રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાનો ડીપફેક વીડિયો બનાવી ઠગાઈનો પ્રયાસ: સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયો
સોશિયલ મીડિયા પર 'ઓલ્ડ કોઈન કંપની' નામે આઈડી બનાવી જૂના સિક્કા ખરીદવાના નામે રૂ. 1500 પ્રોસેસિંગ ફી પડાવવાનો કારસો રચાયો: SRK ના નિવૃત્ત DySP એ ભાંડો ફોડતા સાંસદના પીએસની ફરિયાદથી તપાસ શરૂ

સુરતમાં રાજ્યસભાના સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનો ડીપફેક વીડિયો બનાવીને લોકો સાથે નાણાકીય ઠગાઈ કરવાનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. આ અંગે સુરત સાયબર ક્રાઈમ સેલમાં સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઠગબાજોએ સોશિયલ મીડિયા પર 'ઓલ્ડ કોઈન કંપની' ના નામે એક ફેક આઈડી તૈયાર કર્યું હતું.
સાયબર ભળતી ટોળકીએ સાંસદ ગોવિંદ ધોળકિયાનો એઆઈ (AI) ટેકનોલોજીની મદદથી ડીપફેક વીડિયો તૈયાર કર્યો હતો. આ વીડિયોમાં જૂના સિક્કા ઊંચા ભાવે ખરીદવાની ભ્રામક અને લોભામણી જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત દ્વારા સામાન્ય ગ્રાહકોને જાળમાં ફસાવીને તેમની પાસેથી પ્રોસેસિંગ ફીના નામે રૂ. 1,500 પડાવવાનો કારસો રચવામાં આવ્યો હતો.
આ સમગ્ર કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ કંપનીના સિક્યુરિટી હેડ અને નિવૃત્ત ડીવાયએસપી આર.જી. જાડેજાના ધ્યાને આ વાયરલ વીડિયો આવ્યો હતો. તેમણે આ અંગે ક્રોસ ચેક કરતાં વીડિયો સંપૂર્ણપણે ફેક અને એડિટેડ હોવાનું સામે આવ્યું હતું
ડીપફેક વીડિયો મારફતે સાંસદની છબી ખરડાવવા અને લોકો સાથે ઠગાઈ કરવાના આ પ્રયાસ બાદ સાંસદ ગોવિંદ ધોળકિયાના અંગત સચિવ પીએસ (PS) દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ કેસમાં ગુનો નોંધીને ડિજિટલ ફ્રોડ કરનાર ગિરોહ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
