તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Sunday, 9th August 2026
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબી વિદ્યાર્થીના આપઘાતથી ખળભળાટ : આરોગ્ય મંત્રીના આદેશથી ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ મૃતકના પિતા સાથે વાત કરી ન્યાયની ખાતરી આપી : રેગિંગ અને હેરાનગતિના એંગલથી ૨૪ કલાકમાં રિપોર્ટ સોંપવા સૂચના

સુરત: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક ડોક્ટર વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા આપઘાતના બનાવથી તબીબી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર ઘટનાની નોંધ લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના આદેશ બાદ તાત્કાલિક ધોરણે એક ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને ડીનની અધ્યક્ષતામાં આ કમિટી ગઠિત કરવામાં આવી છે, જેને ૨૪ કલાકની અંદર સમગ્ર મામલે તપાસ રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોગ્ય મંત્રીએ આપઘાત કરનાર ડોક્ટર વિદ્યાર્થીના પિતા સાથે સીધી ટેલિફોનિક વાતચીત કરીને સાંત્વના પાઠવી હતી અને આ મામલે યોગ્ય તપાસ કરાવીને પૂરો ન્યાય આપવાની ખાતરી આપી હતી. આ સમગ્ર તપાસની સીધી દેખરેખ અને નિરીક્ષણ કરવાની જવાબદારી ગાંધીનગરના નિયામક સચદેવને સોંપવામાં આવી છે.
તપાસ કમિટી દ્વારા કાર્યવાહી ઝડપી બનાવી દેવામાં આવી છે. રાત્રિ દરમિયાન જ હોસ્ટેલમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓના નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આપઘાત કરનાર ડોક્ટર વિદ્યાર્થી સાથે ભૂતકાળમાં રેગિંગની કોઈ ઘટના બની હતી કે કેમ અથવા તેને કોઈ માનસિક કે અન્ય રીતે પરેશાન કરવામાં આવતો હતો કે કેમ, તે તમામ પાસાંઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસની ગંભીરતાને જોતા આજે રાત્રે જ પ્રાથમિક પૂછપરછ અને તપાસ પૂર્ણ કર્યા બાદ જ કમિટીના સભ્યોને ઘરે જવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ, મૃતક ડોક્ટર વિદ્યાર્થીના પાર્થિવ દેહનું પેનલ ફોરેન્સિક પીએમ (પોસ્ટમોર્ટમ) કરવામાં આવ્યું છે. પીએમ રિપોર્ટ અને કમિટીની તપાસ બાદ આપઘાતના મૂળ કારણો બહાર આવવાની શક્યતા છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
