<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

મહાકાલના દર્શન કરી પાછા ફરતા વડોદરાના યુવાનોની કારને કાળ ભેટ્યો: હાઇવે પર ભયાનક અકસ્માતમાં ૬ના મોત, ૧ ગંભીર

​ધાર-ઉજ્જૈન ફોરલેન હાઇવે પર પંચકવસા ગામ નજીક રોંગ સાઇડમાંથી આવતી ટ્રકે કારને જોરદાર ટક્કર મારી; સંસારી ખુશીઓ ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ

વડોદરા :  ઉજ્જૈન ખાતે બાબા મહાકાલેશ્વરના દર્શન કરીને ગુજરાત પરત ફરી રહેલા વડોદરાના યુવાનો માટે રવિવારનો દિવસ કાળમુખો સાબિત થયો છે. ધાર-ઉજ્જૈન ફોરલેન હાઇવે પર પંચકવસા ગામ નજીક બપોરે આશરે ૧ વાગ્યાના સુમારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. દર્શન કરીને કારમાં નિજ ધામ પરત ફરી રહેલા યુવાનોની કાર સામેથી રોંગ સાઇડમાં ધસી આવેલી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભીષણ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કૂચડો વળી ગયો હતો અને ઘટનાસ્થળે જ વડોદરાના ૬ યુવાનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કારમાં ફસાયેલા યુવાનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત મળી આવતાં તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. એકસાથે વડોદરાના છ-છ યુવાનોના અકાળે અવસાનના સમાચાર મળતાં જ તેમના પરિવારજનોમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

(3:41 PM IST)