<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

અમદાવાદમાં ફાયર NOC માટે લાંચ લેતા ઝડપાયેલા ફાયર ઓફિસર અમિત ડોંગરે કોર્ટમાં રજૂ: ACBને મળ્યા ૧૨ ઓગસ્ટ સુધીના રિમાન્ડ!

વચેટિયા ભાવસિંહ ઝાલા મારફતે લાખો રૂપિયાનું કમિશન ઉઘરાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું; બેનામી સંપત્તિ અને અન્ય મોટા અધિકારીઓની સંડોવણી અંગે સઘન પૂછપરછ કરાશે!

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ ઈમારતો માટે જરૂરી ફાયર સિસ્ટમનું ક્લિયરન્સ તથા ફાયર NOC આપવાના નામે ચાલી રહેલા મોટા ભ્રષ્ટાચારનો એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ પર્દાફાશ કર્યો છે. ફાયર વિભાગના અધિકારી અમિત ડોંગરે અને તેમના વચેટિયા ભાવસિંહ ઝાલાને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા બાદ અમદાવાદ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે બંને આરોપીઓના ૧૨ ઓગસ્ટ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, એક જાગૃત નાગરિક પાસે બિલ્ડિંગ માટે NOC મેળવવાના બદલામાં લાખો રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. નાગરિકની લેખિત ફરિયાદના આધારે ACB ની ટીમે છટકું ગોઠવીને અધિકારી અમિત ડોંગરેને વચેટિયા ભાવસિંહ ઝાલા મારફતે લાંચ સ્વીકારતા ઝડપી લીધા હતા. બંનેની અટકાયત બાદ કાયદેસરની ધરપકડ કરીને ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

 

કોર્ટમાં રજૂઆત દરમિયાન એસીબી દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ કૌભાંડમાં ફાયર વિભાગના અન્ય કયા અધિકારીઓ કે કર્મચારીઓ સંકળાયેલા છે તે શોધવું જરૂરી છે. ઉપરાંત, ભૂતકાળમાં કેટલી NOC માટે નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા તે નેટવર્કની તપાસ કરવા તેમજ આરોપીઓના ઘર, ઓફિસ અને બેંક એકાઉન્ટ્સની તલાશી લઈને બેનામી સંપત્તિનો તાગ મેળવવા રિમાન્ડ જરૂરી છે. હવે ૧૨ ઓગસ્ટ સુધીના રિમાન્ડ દરમિયાન ACB દ્વારા મોબાઈલ ડેટા, કોલ ડિટેલ્સ અને ડિજિટલ પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરીને કૌભાંડના ઊંડાણ સુધી પહોંચવા કવાયત હાથ ધરાશે.

(11:15 PM IST)