તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
ગાંધીનગરના ગલુદણમાં નકલી ઘી બનાવતી ૩ ફેક્ટરીઓ પર દરોડા: ૪૮ લાખનું ૯,૩૦૦ કિલો બનાવટી ઘી ઝડપાયું, આ જાણીતી બ્રાન્ડ્સના નામે થતું હતું વેચાણ!
એસેન્સ અને કેમિકલ કલર ભેળવી લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં; પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ અને FSL ના સંયુક્ત ઓપરેશનથી ગાંધીનગરમાં મચ્યો ખળભળાટ!

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા ગલુદણ ગામમાં નકલી ઘીનું કારખાનું ધમધમી રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોટો ધડાકો કર્યો છે. પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ અને FSL ની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડીને ગલુદણમાં ગેરકાયદેસર રીતે ચાલતી નકલી ઘી બનાવતી અને તેનું પેકેજિંગ કરતી ત્રણ ફેક્ટરીઓનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ફેક્ટરીઓમાં હાનિકારક એસેન્સ અને કેમિકલ કલરનો ઉપયોગ કરીને આબેહૂબ અસલી દેખાય તેવું ઘી તૈયાર કરવામાં આવતું હતું.
આ નકલી ઘીને બજારમાં પધરાવવા માટે સુઆયોજિત નેટવર્ક ગોઠવવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન ખુલાસો થયો છે કે આ બનાવટી ઘીને ‘અંજની ઘી’, ‘અનુજ ઘી’ અને ‘બરસાના’ જેવી બ્રાન્ડ્સના આકર્ષક પેકિંગમાં પેક કરીને માર્કેટમાં સપ્લાય કરવામાં આવતું હતું. દરોડા દરમિયાન ટીમ પણ મસમોટો સ્ટોક જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. સત્તાવાળાઓએ ઘટનાસ્થળેથી આશરે ૯,૩૦૦ કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત રૂ. ૪૮ લાખ અંકાય છે. આ ઉપરાંત ‘અક્ષીલ ડેરી પ્રોડક્ટ’ નામના એકમમાંથી રૂ. ૩ લાખની કિંમતનો ૨,૫૦૦ કિલો નકલી માવો બનાવવા માટેનો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો છે.
લાંબા સમયથી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ રમત રમતા આ કાળો કારોબાર પકડાતા સ્થાનિક પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થળ પરથી ઘી તથા અન્ય પ્રોડક્ટ્સના સેમ્પલ લઈને તપાસ અર્થે વડોદરા સ્થિત સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
લેબોરેટરી રિપોર્ટમાં ભેળસેળની પુષ્ટિ થયા બાદ જવાબદારો અને ફેક્ટરી માલિકો સામે 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ' હેઠળ કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે પોલીસ દ્વારા ગુનો નોંધીને આ નકલી ઘીનું નેટવર્ક ક્યાં-ક્યાં ફેલાયેલું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
