News of Saturday, 8th August 2026
સુરતના ખટોદરા હિટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો: ૨૫ થી વધુ CCTV ખંખોળી પોલીસે ટેમ્પો ચાલકને દબોચ્યો, સ્વર્ગસ્થ દીકરીના પરિવારે કર્યું ચક્ષુદાન!
મનોચિકિત્સક બનવાનું સ્વપ્ન સેવતી સ્નેહાનું સારવાર દરમિયાન મોત; અસહ્ય દુઃખ વચ્ચે પણ ઘોરી પરિવારે દીકરીની આંખોનું દાન કરી સમાજને પૂરી પાડી પ્રેરણા!

સુરત : સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં ગત ૫ ઓગસ્ટે સર્જાયેલા ગમખ્વાર હિટ એન્ડ રન કેસમાં ખટોદરા પોલીસને મોટી સફળતા મળી છે. મોપેડ પર કોલેજ જઈ રહેલી ૨૨ વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થિનીને અડફેટે લઈ કચડી નાખનાર અજાણ્યા ટેમ્પો ચાલકને પોલીસે ૨૫ થી વધુ CCTV ફૂટેજ ચકાસીને ઝડપી પાડ્યો છે. બીજી તરફ, વ્હાલસોયી દીકરીના અકાળે અવસાનના અસહ્ય શોક વચ્ચે પણ પરિવારે તેની યાદોને અમર રાખવા ચક્ષુદાન કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો છે.
મળતી માહિતી મુજબ, સુરતના લંબે હનુમાન રોડ પર આવેલી નવજીવન સોસાયટીમાં રહેતી સ્નેહા પ્રકાશભાઈ ઘોરી સાયકોલોજી વિષયમાં માસ્ટર ડિગ્રી કરી રહી હતી અને ભવિષ્યમાં મનોચિકિત્સક બનવા માંગતી હતી. ૫ ઓગસ્ટના રોજ કોલેજ જતી વખતે સિવિલ હોસ્પિટલ પાસે એક ટેમ્પો ચાલકે તેની મોપેડને જોરદાર અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં સ્નેહાના શરીર પર ટાયર ફરી વળતા તેની કિડની અને લીવર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આશાસ્પદ વિદ્યાર્થિનીએ અંતિમ શ્વાસ લીધા હતા.
ઘટના બાદ ફરાર થઈ ગયેલા ટેમ્પો ચાલકની શોધખોળ માટે ખટોદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આસપાસના વિસ્તારોના ૨૫ થી વધુ CCTV ફૂટેજ મેળવીને પોલીસે આરોપી ટેમ્પો ચાલક રામવિલાસ રાઠોડની અટકાયત કરી હતી. કડક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તે ટેમ્પોમાં ૫૦૦ નાળિયેર ભરીને પાલનપુર પાટિયા તરફ જઈ રહ્યો હતો અને અકસ્માત બાદ લોકોના મારના ડરથી તે વાહન લઈને ભાગી છૂટ્યો હતો.
આ કરૂણ દુર્ઘટનાથી ઘોરી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. નોંધનીય છે કે બે મહિના પહેલા જ સ્નેહાની આંખોના નંબર ઉતારવાનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. દીકરીના અચાનક વિદાય થવાથી ભાંગી પડેલા પરિવારે અન્ય કોઈ અંધકારમય જિંદગીમાં અજવાળું પથરાય તે આશયથી સ્નેહાના ચક્ષુઓનું દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો, જેણે સમગ્ર સુરત શહેરમાં લોકોની આંખો ભીની કરી દીધી છે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
