તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
લંડન વિઝાના નામે ૨૪ લાખની છેતરપિંડી: વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલા ગાંધીનગરના યુવકે સ્યુસાઈડ નોટ લખી ઝેરી દવા ગટગટાવી!
ઘર ગિરવે મૂકીને એજન્ટને નાણાં ચૂકવ્યા છતાં વિઝા ન મળ્યા; હપ્તા ભરીને કંટાળેલા યુવકની હોસ્પિટલમાં જિંદગી સામે જંગ, એજન્ટ સહિત ત્રણ સામે ફરિયાદ!

ગાંધીનગર: ગુજરાતમાં વિદેશ જવાની ઘેલછા અને એજન્ટોની છેતરપિંડીના કારણે વધુ એક નિર્દોષ પરિવાર બરબાદીના આરે પહોંચ્યો છે. ગાંધીનગરમાં લંડનની વર્ક પરમિટ અપાવવાના બહાને ૨૪ લાખથી વધુ રકમની ઠગાઈનો ભોગ બનેલા હેર સલૂન સંચાલક યુવકે વ્યાજના વિષચક્રથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આપઘાતનું અંતિમ પગલું ભરતા પહેલા યુવકે ત્રણ પાનાની કરૂણ સ્યુસાઈડ નોટ પણ લખી હતી.
મળતી વિગતો અનુસાર, ગાંધીનગરના સેક્ટર ૨૪ માં આવેલ હરસિદ્ધનગરમાં પત્ની અને બે સંતાનો સાથે રહેતા રાહુલ બાબુલાલ નાયી નામના યુવકે પરિવાર સાથે લંડન સેટલ થવાના સ્વપ્ન સાથે ત્રણ વર્ષ પહેલા મેહુલ સોની નામના એજન્ટનો સંપર્ક કર્યો હતો. લંડનની વર્ક પરમિટ માટે રાહુલે પોતાનું ઘર ગિરવે મૂકી તથા બેંકમાંથી લોન લઈને રૂ. ૨૪.૨૫ લાખ રોકડા એજન્ટને ચૂકવ્યા હતા.
લાંબો સમય વિતવા છતાં વિઝા ન મળતા રાહુલે નાણાં પરત માંગ્યા હતા, પરંતુ એજન્ટે માત્ર રૂ. ૩.૮૭ લાખ પરત કરી બાકીની રકમ આપવા માટે ગલ્લા-તલ્લા શરૂ કર્યા હતા. બીજી તરફ બેંકની લોન અને વ્યાજના હપ્તા ભરતા-ભરતા રાહુલ આર્થિક રીત તૂટી ગયો હતો. આખરે આર્થિક તંગી અને માનસિક ત્રાસથી કંટાળીને તેણે ૮ ઓગસ્ટે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
ઝેરી દવા પીતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં રાહુલે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, "મેહુલ સોની, જીનલ પંચાલ અને નિધિ સોનીએ અમારી સાથે છેતરપિંડી કરીને પૈસા પડાવી લીધા છે. લોનના હપ્તા ભરી ભરીને હું થાકી ગયો છું અને આ પગલું ભરી રહ્યો છું." હાલમાં રાહુલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યારે સેક્ટર ૨૧ પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરીને ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
