<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

પાટણના સિદ્ધપુરમાં કાળજું કંપાવી દેનારો ગમખ્વાર અકસ્માત: બેફામ કારે બાઇકને ટક્કર મારતા ફૂટબોલની જેમ ફંગોળાયેલા બે પડોશી ખેડૂતોના કરૂણ મોત!

કહોડાની સીમમાંથી ખેતીકામ પતાવી ઘરે પરત ફરી રહેલા બે મિત્રો કાળનો કોળિયો બન્યા; અકસ્માત સર્જી કાર ચાલક ફરાર, સિદ્ધપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી!

પાટણ: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલા બિલિયા ગામ નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા બે ખેડૂતોના ગંભીર ઇજાઓને કારણે કરૂણ મોત નીપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ટક્કર વાગતા જ બાઇક સવાર બંને ખેડૂતો ફૂટબોલની માફક હવામાં ફંગોળાઈને આશરે ૨૦ ફૂટ દૂર જઈને રોડ પર પટકાયા હતા.

 

મળતી માહિતી મુજબ, બિલિયા ગામના વતની નવીન પટેલ અને અંબારામ પટેલ કહોડાની સીમમાં આવેલા પોતાના ખેતરે ખેતીકામ અર્થે ગયા હતા. કામ પૂર્ણ કરીને જ્યારે બંને ખેડૂતો બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે બિલિયા ગામ નજીક રોડ ક્રોસ કરતી વખતે પાછળથી પૂરપાટ ઝડપે આવતી ટોયોટા ઇટિયોસ કારના ચાલકે બેફામપણે વાહન હંકારીને તેમની બાઇકને અડફેટે લીધી હતી. આ ટક્કરમાં કારના આગળના ભાગનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો.

 

અકસ્માત બાદ બંને ગંભીર રીતે ઘવાયેલા ખેડૂતોને તાત્કાલિક સારવાર અર્થે સિદ્ધપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સઘન સારવાર માટે મહેસાણા લઈ જતી વખતે રસ્તામાં જ અંબારામ પટેલે દમ તોડી દીધો હતો, જ્યારે નવીન પટેલે બીજા દિવસે સારવાર દરમિયાન પ્રાણ ગુમાવ્યા હતા. ઘટના બાદ અકસ્માત સર્જનાર કાર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને ભાગી છૂટ્યો હતો.

 

આ કરૂણ ઘટનાથી સમગ્ર બિલિયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક અંબાલાલના પરિવારમાં ત્રણ પરિણીત સંતાનો છે, જ્યારે નવીન પટેલના પરિવારમાં એક પરણેલી દીકરી અને એક અપરિણીત દીકરો છે. બંને મૃતકો એક જ ગલીમાં સામસામે રહેતા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. હાલમાં સિદ્ધપુર પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(10:01 PM IST)