<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

વડોદરામાં દશામાંની આગમન યાત્રામાં તોફાની ટોળાનો આતંક: ગધેડા માર્કેટ પાસે યુવકને ઘેરીને ઢોર માર મારતાં ભારે તંગદિલી!

ચાર જ દિવસમાં વારસિયા બાદ બીજી વાર ધાર્મિક યાત્રામાં હિંસક ધમાલ; વાયરલ વીડિયોના આધારે અસામાજિક તત્વોને નાથવા પોલીસની કવાયત!

વડોદરા : સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર તહેવારોના માહોલ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઠેકારનાથ સાર્વજનિક મંડળ દ્વારા આયોજિત દશામાંની ભવ્ય આગમન યાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ અડચણ ઊભી કરી ધમાલ મચાવતાં વાતાવરણ અત્યંત તણાવપૂર્ણ બની ગયું હતું. ધાર્મિક પ્રસંગમાં અચાનક વિઘ્ન ઊભું થતાં શ્રદ્ધાળુઓ અને ભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

 

મળતી વિગતો અનુસાર, દશામાંની આ આગમન યાત્રા જ્યારે ગધેડા માર્કેટ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અજાણ્યા તોફાની તત્વોએ જાણી જોઈને યાત્રામાં દખલગીરી કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મામલો બિચકતાં છૂટા હાથની મારપીટ શરૂ થઈ ગઈ હતી. ઉશ્કેરાયેલા તોફાની ટોળાએ એક નિર્દોષ યુવકને ઘેરીને રીતસરનો ઢોર માર માર્યો હતો. ઘટનાના વાયરલ વીડિયોમાં અફરાતફરીના ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે.

 

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં માત્ર ચાર દિવસ પહેલાં જ વારસિયા વિસ્તારમાં પણ દશામાંની આગમન યાત્રા દરમિયાન આવી જ રીતે જૂથ અથડામણ અને છૂટા હાથની મારામારીની ઘટના બની હતી. ટૂંકા સમયગાળામાં ધાર્મિક સરઘસો પર હુમલા અને ધમાલની આ બીજી મોટી ઘટના સામે આવતાં સ્થાનિક પોલીસની બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

 

આ ઘટના બાદ વડોદરાના નાગરિકો અને શ્રદ્ધાળુઓએ ઉગ્ર માંગ કરી છે કે તહેવારોની પવિત્રતા ભંગ કરનારા અને શહેરની શાંતિ જોખમાવનારા ઉપદ્રવીઓ સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે. હાલમાં પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસના ચક્રો ગતિમાન કરીને તોફાની તત્વોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે.

 

(7:22 PM IST)