તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
ઈન્ટર્નશિપના નામે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે મોટી ઠગાઈ: દર મહિને ₹૧૫,૦૦૦ના સ્ટાઈપેન્ડની લાલચ આપી કમાણીના સપના બતાવી નાણાં પડાવ્યા
રિફંડપાત્ર ડિપોઝિટ લેવડાવી બોગસ ચેકો ધાબડ્યા; સ્વસ્તિક ચાર રસ્તા પાસેની કથિત ઓફિસ પણ ગાયબ થતાં યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ!

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઉચ્ચ શિક્ષિત વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવી ઈન્ટર્નશિપ અને સ્ટાઈપેન્ડના નામે લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એમએસસી-આઈટી-ફિનટેકના ૨૦ વર્ષીય વિદ્યાર્થી સહિત અન્ય ચાર સાથીઓ સાથે રિફંડપાત્ર ડિપોઝિટ પેટે રૂ. ૧૦,૦૦૦ પડાવી લઈને માસિક રૂ. ૧૫,૦૦૦નું સ્ટાઈપેન્ડ આપવાનું વચન આપી ઠગાઈ આચરવામાં આવતાં આખરે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદની વિગતો મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત જોઈને વિદ્યાર્થીઓએ એક કંપનીનો સંપર્ક સાધ્યો હતો. કંપની તરફથી પાંચેય વિદ્યાર્થીઓને બે મહિનાની ઈન્ટર્નશિપ માટેના બોગસ ઓફર લેટર આપવામાં આવ્યા હતા અને બે મહિના સુધી તેમની પાસે કઠોર કામ પણ કરાવવામાં આવ્યું હતું. જોકે, બે મહિનાનો સમયગાળો પૂર્ણ થયા બાદ જ્યારે વિદ્યાર્થીઓએ પોતાની જમા કરાવેલી ડિપોઝિટ અને મહેનતનું સ્ટાઈપેન્ડ માંગ્યું, ત્યારે કંપનીના માલિકે જાતજાતના બહાના બતાવી નાણાં આપવાનું ટાળ્યું હતું.
તપાસ દરમિયાન વિદ્યાર્થીઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી જ્યારે તેમને ખબર પડી કે સ્વસ્તિક ચાર રસ્તા ખાતે આપવામાં આવેલું કંપનીનું ભૌતિક સરનામું સાવ બોગસ હતું અને ત્યાં આવી કોઈ ઓફિસ અસ્તિત્વમાં જ નહોતી. વિદ્યાર્થીઓએ અવારનવાર ઉઘરાણી કરતાં માલિકે ૧૫ જૂનના રોજ તેમને એક બેંકના ચેક આપ્યા હતા, પરંતુ બેંકે આ ખાતું બ્લોક હોવાનું જણાવી ચેક રિજેક્ટ કર્યા હતા. ત્યારબાદ ૧ જુલાઈએ અન્ય બેંકના ચેક આપ્યા તે પણ ફ્રીઝ ખાતાના નીકળ્યા હતા.
આખરે પોતાની પોલ ખુલી જતાં શાતિર માલિકે સોશિયલ મીડિયા પરથી કંપનીની પ્રોફાઈલ જ ડીલીટ કરી દીધી હતી. ઠગાઈનો ભોગ બનેલા યુવાનોએ પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવતાં પોલીસે સાયબર અને આર્થિક ગુનાના આધારે આરોપી માલિકની શોધખોળ હાથ ધરી છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
