તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
વડોદરામાં તસ્કરો બેફામ :વાઘોડિયા રોડ વિસ્તારમાં ચોરીના ઈરાદે ઘૂસેલા શખ્શોએ રહેવાસીઓ પર પથ્થરમારો કરતા ભારે હોબાળો
સોસાયટીના જાગૃત રહેવાસીઓએ બૂમાબૂમ કરવાનું શરૂ કરતા ચોરોનો મનસૂબો નિષ્ફળ જતા અને પકડાઈ જવાની બીકે આ ચોરોએ રહીશો પર આડેધડ પથ્થરમારો શરૂ કર્યો

વડોદરા શહેરમાં દિવસે-દિવસે વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે હવે તસ્કરો એટલા બેફામ બન્યા છે કે તેઓ પકડાવાના ડરથી સ્થાનિક રહેવાસીઓ પર હુમલો કરતા પણ અચકાતા નથી. તાજેતરમાં શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં ચોરીના ઈરાદે ઘૂસેલા ઈસમોએ રહેવાસીઓ પર પથ્થરમારો કરીને ભારે હોબાળો મચાવ્યો છે.
વાઘોડિયા રોડ પર આવેલી કેટલીક નામાંકિત સોસાયટીઓમાં રાત્રીના સમયે શંકાસ્પદ શખ્સો ચોરી કરવાના ઈરાદેે ઘૂસ્યા હતા. જોકે, સોસાયટીના જાગૃત રહેવાસીઓ સમયસર એલર્ટ થઈ ગયા અને બૂમાબૂમ કરવાનું શરૂ કરતા ચોરોનો મનસૂબો નિષ્ફળ ગયો હતો. પોતાનો પ્લાન નિષ્ફળ જતો જોઈ અને પકડાઈ જવાની બીકે આ ચોરોએ પોતાને બચાવવા માટે રહીશો પર આડેધડ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
આ અચાનક થયેલા હુમલાને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અને કેટલાક નાગરિકોને સામાન્ય ઈજાઓ પણ પહોંચી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ પેટ્રોલિંગ માત્ર મુખ્ય માર્ગો પૂરતું જ સીમિત રહી ગયું છે, જેના કારણે સોસાયટીઓની અંદર ચોરો અને અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. વડોદરામાં કેટલાક મહિનાથી ઘરફોડ ચોરી અને લૂંટફાટની ઘટનામાં ચિંતાજનક વધારો નોંધાયો છે.
આ બનાવને પગલે રહીશોની સુરક્ષા મુદ્દે સ્થાનિક રહેવાસીઓએ પોલીસ તંત્ર સમક્ષ માંગ કરી છે કે આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે અને રાત્રીના સમયે કાયમી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે. સાથે જ પથ્થરમારો કરી નાસી છૂટેલા તત્વોને તાત્કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
