<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

અમદાવાદની મૈરિંગો CIMS હોસ્પિટલએ 24x7 AI આધારિત રિમોટ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ શરૂ:હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને સ્ટ્રોક જેવા ગંભીર જોખમોની આપશે ચેતવણી

અત્યાર સુધી 6,551થી વધુ હાઈ-રિસ્ક દર્દીઓનું મોનિટરિંગ થયું અને 115થી વધુ દર્દીઓના જીવ બચાવવામાં સફળતા મળી હોવાનું હોસ્પિટલનો દાવો

અમદાવાદની મૈરિંગો CIMS હોસ્પિટલએ આરોગ્ય ક્ષેત્રમાં નવી સિદ્ધિ હાંસલ કરતાં 24x7 AI આધારિત રિમોટ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં સતત AI આધારિત દર્દી મોનિટરિંગ સેવા શરૂ કરનાર તે પ્રથમ હોસ્પિટલ બની છે. આ ટેક્નોલોજી ખાસ કરીને હૃદય સંબંધિત ગંભીર બીમારીઓના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે તે દર્દીની સ્થિતિમાં થનારા જોખમી ફેરફારોની અગાઉથી ઓળખ કરીને ડૉક્ટરને સમયસર એલર્ટ મોકલે છે.

હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ AI સક્ષમ બાયોસેન્સર દર્દીના હાર્ટ રેટ, શ્વાસની ગતિ અને અન્ય મહત્વપૂર્ણ આરોગ્ય સંકેતો પર સતત નજર રાખે છે. જો હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોક અથવા અનિયમિત ધબકારાનું જોખમ જણાય તો સિસ્ટમ તરત જ દર્દી, સારવાર આપતા ડૉક્ટર અને 24x7 AI કમાન્ડ સેન્ટરને એલર્ટ મોકલે છે. જેના કારણે તાત્કાલિક સારવાર શરૂ કરીને ગંભીર પરિસ્થિતિને અટકાવવાની તક મળે છે.

 

 

હોસ્પિટલના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 6,551થી વધુ હાઈ-રિસ્ક દર્દીઓનું AI આધારિત બાયોસેન્સર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે. આ દરમિયાન 115થી વધુ ગંભીર કાર્ડિયાક દર્દીઓના જીવ બચાવવામાં સફળતા મળી હોવાનું હોસ્પિટલનો દાવો છે. ટેક્નોલોજી દર્દીની સ્થિતિમાં થનારા નાનામાં નાના ફેરફારને પણ ઝડપથી ઓળખી શકે છે, જેના કારણે સારવારમાં વિલંબ થતો નથી.

 

 

આ AI આધારિત સિસ્ટમની ખાસિયત એ છે કે દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પણ તેનું સતત મોનિટરિંગ શક્ય બને છે. દર્દી ઘરે હોય કે મુસાફરી દરમિયાન, બાયોસેન્સર સતત આરોગ્યની માહિતી AI કમાન્ડ સેન્ટર સુધી પહોંચાડે છે. જો કોઈ જોખમી સ્થિતિ સર્જાય તો તરત જ એલર્ટ જનરેટ થાય છે, જેથી સમયસર તબીબી મદદ મળી શકે છે.

 

હોસ્પિટલનું દાવો છે કે AI આધારિત સતત મોનિટરિંગના કારણે દર્દીની સ્થિતિ ગંભીર બનતા પહેલાં જ સારવાર શરૂ કરી શકાય છે. તેના પરિણામે ICUમાં દાખલ કરવાની જરૂરિયાત ઘટે છે અને કોડ બ્લૂ જેવી ઇમરજન્સી પરિસ્થિતિઓને પણ અટકાવવામાં મદદ મળે છે. હોસ્પિટલના તબીબ ડૉ. ધિરેન શાહના જણાવ્યા મુજબ, AI આધારિત આ ટેક્નોલોજી ભવિષ્યમાં કાર્ડિયાક કેર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે અને દર્દીઓને વધુ સુરક્ષિત તથા સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બનશે.

(10:58 PM IST)