તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
ગુજરાતમાં દર મિનિટે ફાટે છે ૧૭ ઈ-ચલણઃ ૧,૬૦૦ કરોડથી વધુનો દંડ બાકી
૧ જાન્યુઆરી ૨૦૨૧થી ૩૦ જુલાઈ ૨૦૨૬ વચ્ચે માત્ર છ રાજ્યોમાં ગુજરાત કરતાં વધુ રકમના ચલણ બાકી છેઃ ઉત્તર પ્રદેશ રૂ. ૧૧,૩૩૧ કરોડથી વધુના બાકી ચલણ સાથે પ્રથમ સ્થાને : દરરોજ સરેરાશ ૨૪,૫૦૦, દર કલાકે ૧,૦૨૦ અને દર મિનિટે લગભગ ૧૭ ચલણ ઇશ્યૂ થઈ રહ્યા છે

અમદાવાદ,તા.૭: ગુજરાતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવે છે. આ પૈકી મોટાભાગના લોકો ઈ-મેમોની રકમ ભરતા નથી. ઈ-મેમો દ્વારા ફટકારવામાં આવેલા દંડની રકમ સતત વધી રહી હોવાથી એક મોટો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત ટ્રાફિકના બાકી ઈ-ચલણ ન ભરનારા વાહનચાલકો હવે બાકી લેણાં નહીં ચૂકવે ત્યાં સુધી વિવિધ RTO સેવાઓનો લાભ લઈ શકશે નહીં. આ દરમિયાન સામે આવેલી વિગત પ્રમાણે, રાજ્યમાં ૨૦૨૧થી અત્યાર સુધીમાં ઈ-ચલણના બાકી દંડની રકમ ૧૬૦૦ કરોડને પાર કરી ગઈ છે.
રાજ્યસભામાં માર્ગ વાહનવ્યવહાર અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, ૧ જાન્યુઆરી ૨૦૨૧થી ૩૦ જુલાઈ ૨૦૨૬ વચ્ચે માત્ર છ રાજ્યોમાં જ ગુજરાત કરતાં વધુ રકમના ચલણ બાકી છે.
આ યાદીમાં ઉત્તર પ્રદેશ રૂ. ૧૧,૩૩૧ કરોડથી વધુના બાકી ચલણ સાથે પ્રથમ સ્થાને છે, ત્યારબાદ દિલ્હી રૂ. ૧૧,૦૯૭.૦૭ કરોડ સાથે બીજા, તમિલનાડુ રૂ. ૩,૬૦૧.૭૬ કરોડ સાથે ત્રીજા, હરિયાણા રૂ. ૨,૬૨૦.૫૩ કરોડ સાથે ચોથા, ઓડિશા રૂ. ૨,૧૬૭.૫૨ કરોડ સાથે પાંચમાં અને રાજસ્થાન રૂ. ૨,૦૬૬.૯૧ કરોડ સાથે છઠ્ઠા ક્રમે છે. ગુજરાત રૂ. ૧,૬૦૭.૬૪ કરોડના બાકી દંડ સાથે દેશમાં સાતમા ક્રમે છે.
લોકસભામાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ૨૦૨૨માં ૨.૮૫ લાખ, ૨૦૨૩માં ૧૬.૦૫ લાખ, ૨૦૨૪માં ૪૩.૨૫ લાખ, ૨૦૨૫માં ૮૫.૭૪ લાખ અને ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં ૫૧.૫૨ લાખ મળી કુલ ૧૯૯.૪૧ લાખ ઈ મેમો ઈસ્યુ થયા છે.
ઈ-ચલણના નેશનલ પોર્ટલ પર જોડાયા પછી ગુજરાતે અત્યાર સુધીમાં લગભગ ૧.૯૯ કરોડ ઈ-ચલણ જારી કર્યા છે. વર્ષ ૨૦૨૩માં ૧૬.૦૪ લાખ, ૨૦૨૪માં ૪૩.૨૫ લાખ અને ૨૦૨૫માં વધીને ૮૫.૭૪ લાખ ઈ-ચલણ ઇશ્યૂ થયા હતા. વર્ષ ૨૦૨૬ના પ્રથમ સાત મહિનામાં જ ૫૧.૫૨ લાખ ઈ-ચલણ કરવામાં આવ્યા છે. જેનો અર્થ છે કે દરરોજ સરેરાશ ૨૪,૫૦૦, દર કલાકે ૧,૦૨૦ અને દર મિનિટે લગભગ ૧૭ ચલણ ઇશ્યૂ થઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, માત્ર ૧૫% વાહનચાલકો જ સામેથી નિયમિતપણે ઈ-ચલણ ભરે છે, જ્યારે મોટાભાગના લોકો કોર્ટની નોટિસ આવ્યા પછી જ દંડ ભરે છે. જૂના સરનામે નોંધાયેલા વાહનો અને સરનામું બદલાઈ જવાથી લોકોને ઈ-ચલણ મળતા નથી. ગુજરાતમાં સૌથી વધુ ચલણ સ્ટોપ-લાઇનનું ઉલ્લંઘન અને હેલ્મેટ વગર વાહન ચલાવવા માટે થાય છે.
કેન્દ્ર સરકારના નવા સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ, ૨૦૨૬ મુજબ, જો બાકી ચલણ નહીં ભરાય તો વાહન અને ડ્રાઇવિગ લાયસન્સ સંબંધિત સેવાઓ રોકી શકાશે. એક જ વર્ષમાં ૫ કે તેથી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડનાર વાહનચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ પણ થઈ શકે છે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
