તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
બેકારો માટેની સરકારી નિતી સામે વધુ એક પ્રશ્નાર્થઃ વિદ્યુત સહાયકમાં પસંદગી પામેલા ઉમેદવારો નિમણુંક માટે તરસી રહયા છે
જેટકો દ્વારા લેવાયેલી ૫ એપ્રિલની પરીક્ષા પાસ કરનાર ૫,૬૦૦ જેટલા યુવાનો પૈકી માત્ર ૨૭૧નો સમાવેશ કરાયોઃ ખાલી જગ્યા હોવા છતા અધિકારીઓની સાંઠગાંઠથી ચાલતી ૧૦૦ જેટલી એજન્સીઓમાંથી આઉટસોર્સીંગથી ટેકનિકલ જગ્યાઓ ઉપર ગબડાવાતુ ગાડુઃ આઉટસોર્સીંગ કાયદાકીય ભાષામાં ગેરકાયદે છતા કોઇ કહેવાવાળુ નથી! છેલ્લુ પરીણામ એક વર્ષ સુધી માન્ય રહેતુ હોય છેઃ આ દરમિયાન ૩ જેટલા મેરીટ લીસ્ટ બહાર પાડી વિદ્યુત સહાયકોની જગ્યા ભરવામાં આવતી હોય છેઃ પરંતુ ૬ માસ વિતી જવા છતા હજુ સુધી બીજુ-ત્રીજુ મેરીટ લીસ્ટ બહાર પડયુ નથીઃ નિમણૂ઼ક મળવાની આશાએ પ્રતિક્ષા કરી રહેલા હજ્જારો બેરોજગાર યુવાનોના જીવ તાળવે ચોંટી ગયા છે સેન્ટ્રલ પધ્ધતીના બદલે ઝોન વાઇઝ નિમણુંક થવી જરૂરીઃ આમ થવાથી ગ્રાઉન્ડ લેવલે કામ કરતા કલાસ-૪ના આ કર્મચારીઓ પોતાના ઘરથી નજીક રહી ફરજ બજાવી શકશેઃ તેમની ઉત્પાદકતા સ્વભાવીક રીતે વધશે અને તેમનો ખર્ચ ઘટશેઃ પરીણામે ગ્રાહકોની ફરિયાદોનો પણ ઝડપથી ઉકેલ આવી શકશેઃ આ તમામ મુદાઓને ધ્યાને રાખી સરકાર અને અધિકારીઓ નિર્ણય કરે તો નિમણુંકની રાહ જોઇ રહેલા વિદ્યુત સહાયકના પ્રતિક્ષાર્થીઓને ન્યાય મળશેઃ સાથોસાથ કર્મચારી મહેકમમાં વહીવટી અને ગ્રાઉન્ડ સ્ટાફની રહેલી અસમાનતા નિવારવી જરૂરી

રાજકોટ તા.૬: ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેટ લીમીટેડ (જેટકો) દ્વારા ગત એપ્રિલ માસમાં લેવાયેલી ઇલેકટ્રીક આસીસ્ટન્ટ (વિદ્યુત સહાયક)ની પરીક્ષા ઉર્તીણ કરનાર ૫૬૦૦ જેટલા ઉમેદવારો પૈકી બહાર પડેલા પ્રથમ મેરીટ લીસ્ટમાં હજુ સુધી માત્ર ૨૭૧ ને જ નિમણુંક પત્ર આપવામાં આવ્યો હોવાથી વર્ષોથી ૫-૫ પરીક્ષાઓ આપી સરકારી નોકરીની રાહમા બેઠેલા હજારો યુવાનોને અન્યાય થઇ રહયાનો ભારે રોષ પ્રગટી રહયો છે. અધિકારીઓની સાંઠગાંઠ ધરાવતી ૧૦૦ જેટલી આઉટસોર્સીંગ એજન્સીઓમાંથી ખાલી પડેલી ટેકનિકલ જગ્યાઓ ઉપર ઓછા પગારથી નિમણુંકો આપી ગાડુ ગબડાવાતુ હોવાનું ચિત્ર ઉપસ્યુ છે. આ વચ્ચે ટેકનિકલ સ્ટાફના પસંદગી માળખા અને કર્મચારી મહેકમમાં રહેલી ખામીઓ જવાબદાર હોવાનું જાણકાર અધિકારીઓ સ્વીકારી રહયા છે. આ મામલે સરકાર યોગ્ય કરી બેકાર યુવાનોને તાત્કાલીક ન્યાય આપે તે જરૂરી બની ગયુ છે.
અન્યાયનો ભોગ બન્યાનો અહેસાસ કરી રહેલા ઉમેદવારોના એક જુથના જણાવ્યા મુજબ તા.૫/૪/૨૦૨૬ના જેટકો દ્વારા ઇલેકટ્રીક આસીસ્ટન્ટની પરીક્ષાઓ લેવાયેલી જે ૫૬૦૦ જેટલા યુવાનોએ ઉર્તીણ કરેલી જે પૈકી ચોક્કસ રેશીયોમાં નિમણુંકો અપાતી હોય છે પરંતુ આ વર્ષે માત્ર એક મેરીટ લીસ્ટ બહાર પડયુ છે જેમાં માત્ર ૨૭૧ નો જ સમાવેશ કરાયો છે.
આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારે બે વર્ષનો આઇટીઆઇ કોર્ષ કરેલો હોય છે. ત્યારબાદ સચીવશ્રી, લાઇન્સસીંગ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી વાયરમેનની પરીક્ષાનું પ્રમાણપત્ર મેળવવુ પડે છે ત્યારબાદ વિદ્યુત વિભાગ દ્વારા એપ્રેન્ટીસ લાઇનમેન તરીકે મોૈખીક અને બાદમાં ફીઝીકલ પોલ ટેસ્ટ પાસ કરવો પડે છે. જેમાં ઉર્તીણ થયા બાદ એપ્રેન્ટીસ લાઇનમેન તરીકે ૧ વર્ષની તાલીમ લેવી પડે છે. ત્યારબાદ જે તે કાર્યપાલક ઇજનેર પરીક્ષા લે છે. આ પરીક્ષા બાદ જેટકો દ્વારા ફરી પોલ ટેસ્ટ લેવાય છે અને ત્યારબાદ લેખીત પરીક્ષા લેવાય છે. આટ આટલી પરીક્ષાઓમાં ઉર્તીણ થયા પછી પણ મળે છે શું (?) વર્ગ-૪ તરીકે ૩ વર્ષ માટે ફીકસ પગારમાં ઇલેકટ્રીક આસીસ્ટન્ટની નોકરી!! આમ લગભગ ચાર-પાંચ વર્ષનો ગાળો પરીક્ષાઓ પસાર કર્યા પછી સરકાર અને અધિકારીઓની અન્યાયી નિતીનો ભોગ પાસ થયેલા ઉમેદવારોએ બનવું પડતું હોવાનો વસવસો વ્યકત કરવામાં આવી રહયો છે.
છેલ્લુ પરીણામ એક વર્ષ સુધી માન્ય રહેતુ હોય છે. આ દરમ્યાન ૩ જેટલા મેરીટ લીસ્ટ બહાર પાડી વિદ્યુત સહાયકોની જગ્યા ભરવામાં આવતી હોય છે. પરંતુ ૬ માસ વિતી જવા છતા હજુ સુધી બીજુ-ત્રીજુ મેરીટ લીસ્ટ બહાર પડયુ ન હોવાથી નિમણૂ઼ક મળવાની આશાએ પ્રતિક્ષા કરી રહેલા હજ્જારો બેરોજગાર યુવાનોના જીવ તાળવે ચોંટી ગયા છે.
એક સીનીયર અને યુનિયન પ્રવૃતિ સાથે સંકળાયેલા નિવૃત અધિકારીએ તટસ્થતાપૂર્વક સ્વીકાર્યુ હતુ કે વિજતંત્રના ભરતી માળખામાં જ ખોટ રહેલી છે. સમગ્ર વિજતંત્રમાં ટેકનીકલ સ્ટાફ એટલે કે લાઇનમેન અને ઇલેકટ્રીશ્યન જ મહત્વના હોય છે. હાલના કર્મચારી મહેકમમાં જોઇએ તો વહીવટી સ્ટાફ અને ટેકનિકલ સ્ટાફ ૩:૧ ના રેશીયોમાં છે. એટલે કે દર એક લાઇનમેન સામે ૩ સુપરવાઇઝર છે. જે તદન અયોગ્ય છે. ટેકનીકલ સ્ટાફની ભરતી કરવા માટે મહેકમ વધારવુ જરૂરી છે અને પસંદગીનું માળખુ પણ સુધારવાની જરૂર છે.
છેલ્લી પરીક્ષાઓ સેન્ટ્રલ એકઝામીનેશનના ધોરણે લેવાયેલી હતી. આ પરીક્ષાઓ ઉર્તીણ કરનાર ઉમેદવારો કલાસ-૪ના હોય છે. ગુજરાત સરકારના પરીપત્ર મુજબ તેમને પોતપોતાના ઝોનમાં નિમણુંક આપવી જોઇએ. તેના બદલે સમગ્ર રાજયમાં નિમણુંક આપવામાં આવી છે. જેમાં પણ જનરલ કેટેગરીને સ્વાભાવીક રીતે અન્યાય થયાનું સ્પષ્ટ થયુ છે. જો નિમણુંક ઝોન વાઈઝ કરવામાં આવે તો આદિવાસી ઝોનના ઉમેદવારોનો સમાવેશ તેમના ઝોનમાં થઇ જાય અને જનરલ કેટેગરીના ઝોનમાં તેમની નિમણુંક નહિ થવાથી અન્ય સામાન્ય કેટેગરીના ઉમેદવારોને ન્યાય મળે. ઝોન વાઇઝ નિમણુંક થવાથી ગ્રાઉન્ડ લેવલે કામ કરતા કલાસ-૪ના આ કર્મચારીઓ પોતાના ઘરથી નજીક રહી ફરજ બજાવી શકશે. આમ થવાથી તેમની ઉત્પાદકતા સ્વભાવીક રીતે વધશે અને તેમનો ખર્ચ ઘટશે.
જેના પરીણામે ગ્રાહકોની ફરિયાદોનો પણ ઝડપથી ઉકેલ આવી શકશે. આમ આ તમામ મુદાઓને ધ્યાને રાખી સરકાર અને અધિકારીઓ નિર્ણય કરે તો વિદ્યુત સહાયકના હોદા પર નિમણુંકની રાહ જોઇ રહેલા પ્રતિક્ષાર્થીઓને પણ ન્યાય મળશે. સાથોસાથ કર્મચારીઓના મહેકમમાં રહેલી અસમાનતા પણ નિવારી શકાશે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
