<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

વડોદરામાં માંજલપુર પેટાચૂંટણીના વિજયને વધાવવા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો

તરસાલી વિસ્તારના ખાનગી બેન્કવેટ હોલ ખાતેના કાર્યક્રમમાં નેતાઓએ ઉત્સાહી કાર્યકરોને સંબોધિત કરી આગામી રણનીતિ અને જનસેવાના કાર્યો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા મહત્વપૂર્ણ મુલાકાતે વડોદરા પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યના સંગઠન મહામંત્રી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના માંજલપુર  વિધાનસભા પેટાચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારની શાનદાર જીત થઈ છે, જેને લઈને ભાજપ દ્વારા એક ભવ્ય 'ઋણ સ્વીકાર' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિશેષ કાર્યક્રમ વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા એક ખાનગી બેન્કવેટ હોલ ખાતે યોજાયો હતો. ચૂંટણીમાં ભવ્ય વિજય અપાવવા બદલ પ્રદેશ નેતૃત્વ દ્વારા મતદારો અને સખત પરિશ્રમ કરનાર સ્થાનિક કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.

સંબોધન દરમિયાન નેતાઓએ જણાવ્યું હતું કે કાર્યકરોના અથાગ પરિશ્રમ અને જનકલ્યાણકારી કાર્યોના કારણે જ આ મોટી જીત શક્ય બની છે. આગામી સમયમાં પણ જનતાના હિત માટે કામ કરતા રહેવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો મંત્ર કાર્યકરોને આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડોદરા શહેરના અગ્રણી નેતાઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ઉમંગમય બની ગયું હતું.

(9:31 PM IST)