<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

સાપુતારા અને તેની આસપાસના વિસ્તારોમાં અચાનક 3.6ની તીવ્રતાના બે વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ

પહેલો આંચકો બપોરે 2:58 વાગ્યે અને બીજો આંચકો બપોરે 3:38 વાગ્યે અનુભવાયો : મહારાષ્ટ્રના નાસિક પાસે આવેલા બોરબંડ ગામ નજીક આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા અને તેની આસપાસના સરહદી વિસ્તારોમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરના સુમારે અચાનક ધરતી ધ્રૂજવા લાગતા સ્થાનિક રહીશો અને પ્રવાસીઓમાં થોડા સમય માટે ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો ઘર તેમજ હોટલોમાંથી બહાર દોડી આવ્યા હતા.

 

પ્રાપ્ત વિગતો મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ગુજરાતની સરહદ અડીને આવેલા મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના બોરબંડ ગામ નજીક નોંધવામાં આવ્યું હતું. આ આંચકા માત્ર એકવાર નહીં પરંતુ બે વખત અનુભવાયા હતા, જેમાં પહેલો આંચકો બપોરે 2:58 વાગ્યે અને બીજો આંચકો બપોરે 3:38 વાગ્યે અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.6 મેગ્નિટ્યુડ માપવામાં આવી હતી

 આ મધ્યમ તીવ્રતાના ભૂકંપના કારણે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. વહીવટી તંત્ર દ્વારા સરહદી વિસ્તારોમાં સ્થિતિની પૂરતી તકેદારી રાખીને સમીક્ષા કરવામાં આવી રહી છે. અચાનક આવેલા આ ધરતીકંપના કારણે થોડા સમય માટે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ કોઈ નુકસાન ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે.

(8:15 PM IST)