<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

સુરત જિલ્લા એલસીબીનો સપાટો : પલસાણાના ટુંડી ગામ પાસેથી એક ટ્રકમાંથી ચોખાની આડમાં લઈ જવાતો 4 કરોડથી વધુની કિંમતનો 2500 કિલોગ્રામ પોસડોડાનો જથ્થો ઝડપ્યો

મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ જતા મોટા રેકેટનો પર્દાફાશ:પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી: માદક પદાર્થની હેરાફેરી સાથે સંકળાયેલા અન્ય માસ્ટરમાઇન્ડ્સને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા

સુરત જિલ્લા એલસીબીની ટીમે નશીલા પદાર્થોના કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરીને પોસડોડાના કરોડો રૂપિયાના રેકેટનો મોટો પર્દાફાશ કર્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ટુંડી ગામની હદમાંથી પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે એક શંકાસ્પદ ટ્રકને ઝડપી પાડવામાં આવી હતી, જેમાંથી કરોડો રૂપિયાનો પ્રતિબંધિત જથ્થો મળી આવ્યો હતો.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલી આઈસર ટ્રકમાં રાઈસ ક્રેકર્સ અને ચોખાની આડમાં અત્યંત ચતુરાઈપૂર્વક આ માદક પદાર્થ છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે ટ્રકની તલાશી લેતા અંદાજે 2500 કિલોગ્રામ જેટલો માદક પદાર્થ પોસડોડા મળી આવ્યો હતો. આ સમગ્ર રેકેટની કિંમત 4 કરોડ રૂપિયાથી વધુ હોવાનું આંકવામાં આવ્યું છે, જેણે પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચાવી દીધી છે.

 

 

તપાસમાં સામે આવ્યું છે કે આ મુદ્દામાલ મધ્યપ્રદેશના રતલામથી ભરીને રાજસ્થાન તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. આ ગેરકાયદેસર હેરાફેરી માટે ચાલકને એક ટ્રીપના 70 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. આ ટ્રક મહારાષ્ટ્રના ધુલિયાથી હજીરા થઈને નેશનલ હાઈવે દ્વારા રાજસ્થાન તરફ જઈ રહી હતી. પોલીસે આ પ્રકરણમાં ટ્રક ચાલક સુનિલ ભવરલાલ બિશનોઈની ધરપકડ કરી છે. જ્યારે આ જથ્થો મંગાવનાર રાજસ્થાનના જોધપુરના સુમેર રામ દેવારામ બિશનોઈ અને મધ્યપ્રદેશથી જથ્થો ભરાવનાર અન્ય વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

(8:11 PM IST)