<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

જીઆઈડીસી પ્લોટ ફાળવણી કૌભાંડ મુદ્દે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલના ગુજરાત સરકાર પર પ્રહારો : સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને અધિકારીઓ સામે જ્યુડિશિયલ કમિશન અને ઈડી તપાસની કરી માંગ

વલસાડના સરીગામમાં ૨૦ પ્લોટની અદલાબદલી અને રૂ. ૩૦ કરોડથી વધુના ખોટા વળતર અંગે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી હોવાનો દાવો : જીઆઈડીસીના નિયામક મંડળના સભ્યોની મિલકતોની તપાસ સીબીઆઈ અને ઇન્કમટેક્સ દ્વારા કરવાની ઉઠાવેલી માંગણી

અમદાવાદ: ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી) માં ચાલી રહેલી કથિત અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસના પ્રદેશ અગ્રણી અને પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે અખબારી યાદી દ્વારા રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કરોડો રૂપિયાની કિંમતના ૨૦ પ્લોટને ખેતીની જમીન સાથે અદલાબદલી કરવાના નિર્ણય અંગે નામદાર સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના અવલોકનોને માન્ય રાખી અધિકારીઓની નીતિ સામે આકરા પ્રહારો કર્યા હોવાનું તેમણે જણાવ્યું છે.

 

અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, સરીગામ ખાતે કરોડો રૂપિયાની કિંમતના ૨૦ ઔદ્યોગિક પ્લોટ નજીવી કિંમતની એગ્રીકલ્ચર જમીન સામે ટ્રાન્સફર કરવાનો નિર્ણય જીઆઈડીસીની નીતિ વિરુદ્ધનો હતો. એક જાગૃત નાગરિક દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (પીઆઈએલ) પર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ડિવિઝન બેંચે આ પ્લોટ ફાળવણીનો હુકમ રદ કરીને અધિકારીઓ સામે ગંભીર અવલોકનો કર્યા હતા. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટે પણ પુનઃ નોંધીને જીઆઈડીસીના અધિકારીઓનો આ નિર્ણય બદઈરાદાપૂર્વક (માલાફાઈડ) હોવાનું સ્પષ્ટ કર્યું છે.

 

વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ પણ અરજદારને વળતર આપવાની બાબતમાં ગંભીર ગફલા કરવામાં આવ્યા હતા. જૂના કાયદા મુજબ રૂ. ૫.૮૫ કરોડ અને નવા કાયદા મુજબ રૂ. ૨૪.૭૨ કરોડ તથા વ્યાજ મળીને રૂ. ૩૦ કરોડથી વધુ રકમ ચૂકવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે આ ગણતરી રદ કરીને માત્ર રૂ. ૧ કરોડ ૧૭ લાખ ૧૬ હજાર ૯૦ ચૂકવવા પાત્ર થાય છે તેવો આદેશ આપ્યો છે.

 

નાના ઉદ્યોગકારો અને સ્થાનિકોને રોજગારી આપવાના હેતુથી સ્થપાયેલી જીઆઈડીસીમાં હેતુફેર કરીને માનીતાઓને મિલકતો પધરાવવામાં આવતી હોવાનો આરોપ મૂકતાં કોંગ્રેસ પક્ષ તરફથી પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે:

૧. અદાલતો દ્વારા અધિકારીઓના ભ્રષ્ટ વહીવટ અંગે સ્પષ્ટ નિરીક્ષણ કરવામાં આવ્યું હોવા છતાં સરકાર સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરે.

૨. જીઆઈડીસીમાં અવારનવાર બદલાતી નીતિઓ અને ભ્રષ્ટાચારની તપાસ માટે જ્યુડિશિયલ કમિશનની રચના કરી તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવે.

૩. સુપ્રીમ કોર્ટના સ્પેક્ટ્રમ અલોટમેન્ટ કેસના આદેશ મુજબ હરાજી વગર જીઆઈડીસી દ્વારા પ્લોટ ફાળવવાની પ્રક્રિયા શા માટે કરવામાં આવી તેની તપાસ થાય.

૪. બેઠા દરે જમીનો ફાળવવાના ષડયંત્ર સામે રોક લગાવવામાં આવે.

૫. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા જીઆઈડીસીમાં મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવે તેમજ જીઆઈડીસીના નિયામક મંડળના સભ્યોની મિલકતોની ઈડી, સીબીઆઈ અને ઈન્કમટેક્સ દ્વારા સંયુક્ત તથા પારદર્શક તપાસ કરવામાં આવે.

(10:55 AM IST)