તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Thursday, 6th August 2026
પંચાયતી રાજમાં પારદર્શકતા લાવવા રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પંચાયતોમાં નાણાકીય ગેરરીતિઓ અટકાવવા 'એગ્ઝિટ કૉન્ફરન્સ' યોજવી ફરજિયાત કરાઈ
જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતોનું વાર્ષિક ઑડિટ પૂર્ણ થતાં જ ડીડીઓની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકથી ગંભીર અનિયમિતતાઓ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી શકાશે : મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના માર્ગદર્શન હેઠળ પરિપત્ર જારી

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યની પંચાયતી રાજ વ્યવસ્થામાં વહીવટી પારદર્શકતા, જવાબદારી અને સુશાસનને વધુ મજબૂત કરવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણયકારી પગલું ભર્યું છે. અત્યાર સુધી પંચાયતોમાં ઑડિટ દરમિયાન સામે આવતી ગંભીર ગેરરીતિઓ અંગે કાનૂની અને શિસ્તભંગની કાર્યવાહી કરવામાં પ્રક્રિયાગત વિલંબ થતો હતો, જેને દૂર કરવા માટે નવી વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે કડક વલણ અપનાવી તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (ડીડીઓ)ને સ્પષ્ટ સૂચના આપી છે કે પંચાયતોનું વાર્ષિક ઑડિટ પૂર્ણ થતાં જ ફરજિયાત ધોરણે 'એગ્ઝિટ કૉન્ફરન્સ'નું આયોજન કરવાનું રહેશે.
પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના માર્ગદર્શન હેઠળ ૨૮ જુલાઈ ૨૦૨૬ના રોજ આ અંગેનો પરિપત્ર જાહેર કરીને સમગ્ર રાજ્યમાં નવી પ્રક્રિયા અમલમાં મૂકી દેવામાં આવી છે. આ નવી પ્રણાલી અનુસાર દરેક જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતનું ઑડિટ કાર્ય પૂર્ણ થયા બાદ નિર્ધારિત દિવસે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં આ પરિષદ યોજાશે. જેમાં સ્થાનિક ભંડોળ હિસાબ વિભાગના વરિષ્ઠ ઑડિટ અધિકારીઓ દ્વારા ઑડિટ દરમિયાન પ્રકાશમાં આવેલી ગંભીર ગેરરીતિઓ જ સીધી રીતે રજૂ કરવામાં આવશે.
આ એગ્ઝિટ કૉન્ફરન્સ દરમિયાન નાણાકીય ઉચાપત, નિયમો વિરુદ્ધ કરાયેલી ખરીદી, ગેરકાયદેસર ભરતી, વહીવટી ખામીઓ અને અન્ય નાણાકીય અનિયમિતતાઓ અંગે સીધી ચર્ચા હાથ ધરાશે. તેના આધારે જિલ્લા વિકાસ અધિકારી પ્રાથમિકતાના ધોરણે આક્ષેપિત અધિકારીઓ કે કર્મચારીઓ સામે તાત્કાલિક શિસ્તભંગ, નિવારક અથવા કાનૂની કાર્યવાહી શરૂ કરી શકશે. જેના કારણે ઑડિટ અહેવાલ માત્ર કાગળ પરની પ્રક્રિયા બનવાને બદલે જવાબદારી નક્કી કરવાનું અને ત્વરિત નિર્ણયો લેવાનું એક સશક્ત માધ્યમ બની રહેશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી ઑડિટ રિપોર્ટ ફાઈલોમાં અટવાઈ રહેવાની જૂની પ્રક્રિયાનો અંત આવશે અને તે તાત્કાલિક કાર્યવાહીનો આધાર બનશે. આ પગલાંથી જાહેર નાણાંની સુરક્ષા સુનિશ્ચિત થશે તથા ભ્રષ્ટાચાર આચરતી માનસિકતા પર કડક અંકુશ આવશે. અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ જવાબદારીની ભાવના વધશે, કારણ કે ઑડિટ પૂરું થતાં જ તેમણે જવાબ આપવો પડશે. આ વ્યવસ્થાનો સીધો લાભ ગામડાંના સામાન્ય નાગરિકોને મળશે, જેથી રસ્તા, પાણી, સ્વચ્છતા અને સામાજિક સુવિધાઓ જેવા વિકાસકાર્યો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો યોગ્ય અને પારદર્શક ઉપયોગ શક્ય બનશે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
