તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
ગાંધીનગર પંથકમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું રેકેટ પકડાયું :અસલી ઘીના નામે વેચાતું હતું નકલી ઘી: ફેક્ટરીમાંથી 1.67 કરોડનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત
ઔદ્યોગિક વિસ્તારમાં ધમધમતી એક ફેક્ટરીમાં ઓઇલ અને કેમિકલની મદદથી બનાવટી ખાદ્ય પદાર્થ તૈયાર કરી બજારમાં ધકેલવામાં આવતો:પોલીસ અને સુરક્ષા એજન્સીઓની સંયુક્ત રેડમાં મોટો ખુલાસો

ગાંધીનગર જિલ્લામાંથી એક મોટું અને ચોંકાવનારૂં કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસે બાતમીના આધારે છત્રાલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરી પર અચાનક દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ફેક્ટરીમાં પામ ઓઇલ અને વિવિધ હાનિકારક કેમિકલ ભેળવીને અસલી દેશી ઘી જેવું દેખાતું બનાવટી ઘી તૈયાર કરવામાં આવતું હતું. તૈયાર થયેલા આ શંકાસ્પદ ઘીને બજારમાં અસલી દેશી ઘી તરીકે મોટા પ્રમાણમાં સપ્લાય કરવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દર મહિને અંદાજે 30 હજાર લીટર શંકાસ્પદ ઓઇલ અને ઘી બજારમાં સપ્લાય થતું હોવાની વિગતો બહાર આવી છે, જે સામાન્ય જનતાના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ હતું.
પોલીસે આ રેડ દરમિયાન સ્થળ પરથી કુલ 1.67 કરોડ રૂપિયાની મસમોટી કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગંભીર પ્રકરણમાં આરોપી જનકકુમાર ભાવસાર વિરુદ્ધ કાયદેસરની ગુનાહિત ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એફએસએલ (FSL) અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ પણ સ્થળ પર પહોંચીને નમૂના એકત્રિત કર્યા છે. પોલીસ દ્વારા આ સમગ્ર સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય શખ્સોની પણ સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
