તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
સીએમએ પરીક્ષાના પરિણામોમાં ગરીબીને માત આપી ઝળક્યા સિતારા: રિક્ષાચાલકની દીકરીએ ઈન્ટરમીડિએટમાં ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો, કાર ડ્રાઈવરના પુત્રએ ફાઈનલમાં મારી બાજી
વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદના હોનહાર વિદ્યાર્થીઓની પ્રેરણાદાયી સફળતા: આઈસીએમએઈ પરિણામોમાં સુરતનો રોનક જૈન દેશભરમાં ઈન્ટરમીડિએટમાં પ્રથમ ક્રમે

અમદાવાદ : ધ્યેય મજબૂત હોય અને ઈરાદા બુલંદ હોય તો ગમે તેવી કપરી પરિસ્થિતિ પણ સફળતાના માર્ગમાં બાધક બની શકતી નથી, તે વાત અમદાવાદના બે તેજસ્વી વિદ્યાર્થીઓએ સાબિત કરી બતાવી છે. ઈન્સ્ટીટ્યૂટ ઑફ કૉસ્ટ એકાઉન્ટન્ટ ઑફ ઈન્ડિયા (ICMA) દ્વારા ગત જૂન મહિનામાં લેવાયેલી સીએમએ (CMA) ઈન્ટરમીડિએટ અને ફાઈનલ પરીક્ષાના જાહેર થયેલા પરિણામોમાં અમદાવાદના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ પરિણામોમાં રિક્ષાચાલકની દીકરી શેફાલી પંચાલ અને હોટલ ડ્રાઈવરના પુત્ર રાજકુમાર ગૌતમે સફળતાનો ઝંડો લહેરાવીને સમગ્ર રાજ્યમાં પ્રેરણા પૂરી પાડી છે.
સીએમએ ઈન્ટરમીડિએટ પરીક્ષામાં અમદાવાદની શેફાલી પંચાલે ૫૪૭ માર્ક્સ સાથે ઓલ ઈન્ડિયા ૪૮મો રેન્ક મેળવ્યો છે. શેફાલીના પિતા રિક્ષા ચલાવીને પરિવારનું પૂરું કરે છે. પોતાની આ અદભુત સફળતા અંગે શેફાલીએ જણાવ્યું હતું કે, પિતાએ ક્યારેય અભ્યાસમાં તકલીફ પડવા દીધી નથી અને ભાઈ-બહેનોના સહકારથી કન્સેપ્ટ ક્લિયર રાખીને નવરાત્રી તેમજ દિવાળી જેવા તહેવારો દરમિયાન પણ તૈયારીઓ ચાલુ રાખી હતી. બીજી તરફ, સીએમએ ફાઈનલમાં અમદાવાદ ચેપ્ટરમાં બીજો રેન્ક મેળવનાર રાજકુમાર ગૌતમના પિતા શહેરની પ્રતિષ્ઠિત હોટલમાં ડ્રાઈવર તરીકે સેવા આપે છે. રાજકુમારે પોતાની આ સફળતાનો શ્રેય પિતાની સખત મહેનતને આપતા આગામી સમયમાં કોર્પોરેટ કંપનીમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
આ પરિણામોમાં રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતના વિદ્યાર્થીઓનો દબદબો રહ્યો છે. સીએમએ ઈન્ટરમીડિએટ પરીક્ષામાં સુરતનો રોનક જૈન સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે (AIR 1) રહ્યો છે, જ્યારે ફાઈનલમાં ગંટુરના મોક્ષિત વામશી કૃષ્ણએ ઓલ ઈન્ડિયા ફર્સ્ટ રેન્ક હાંસલ કર્યો છે. અમદાવાદના અન્ય વિદ્યાર્થીઓમાં સીએમએ ફાઈનલમાં રાજ ધામેલિયાએ ૫૪૦ માર્ક્સ સાથે ઓલ ઈન્ડિયા ૪૧મો રેન્ક અને ઈન્ટરમીડિએટમાં આદિત્ય ખૈરનારે ૫૬૩ માર્ક્સ સાથે ૩૧મો રેન્ક મેળવ્યો છે. આ વર્ષે સીએમએ ફાઈનલમાં અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ૭ ટકાના વધારા સાથે ૪૪.૩૯ ટકા નોંધાયું છે, જ્યારે ઈન્ટરમીડિએટનું પરિણામ ૩૨.૩૮ ટકા રહ્યું છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
