તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમારનું 'નો ડ્રગ્સ ઇન વડોદરા' અભિયાન રંગ લાવ્યું : હરણી પોલીસે રૂ. ૪૧ લાખના એમડી ડ્રગ્સ સાથે મધ્ય પ્રદેશના આરોપી ઐયુબખાન અને તેની પત્ની નાઝમીનની કરી અટકાયત
એમપીના મંદસૌરથી સ્કોર્પિયો કારમાં અમદાવાદના રવિ નામના શખ્સને ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવા જતાં દંપતી પાસેથી રૂ. ૫૭.૧૯ લાખનો કુલ મુદ્દામાલ કબ્જે: પકડાઈ ન જવા આરોપી નાઝમીને છાતી પર ડ્રગ્સ બાંધ્યું હતું

રાજકોટ : વડોદરા શહેરને નશા મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા શરૂ કરવામાં આવેલું 'નો ડ્રગ્સ ઇન વડોદરા' અભિયાન પૂર્ણ જોશમાં ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે હરણી પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવી છે. મધ્ય પ્રદેશથી સ્કોર્પિયો કારમાં અમદાવાદ ખાતે એમડી ડ્રગ્સની ડિલિવરી આપવા જઈ રહેલા એક દંપતીને હરણી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડીને ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરી છે.
પોલીસ કામગીરી દરમિયાન પકડાયેલા આરોપીઓની ઓળખ મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામઉ ગામના રહેવાસી ઐયુબખાન જમાનખાન અને તેની પત્ની નાઝમીન તરીકે થઈ છે. આ દંપતી પોતાની સ્કોર્પિયો કારમાં મેફેડ્રોન (એમડી) ડ્રગ્સનો મોટો જથ્થો લઈને નીકળ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે મધ્ય પ્રદેશથી લાવવામાં આવેલો આ જથ્થો અમદાવાદના રવિ નામના શખ્સને સોંપવાનો હતો અને રવિ પોતે વડોદરા આવીને આ ડ્રગ્સની ડિલિવરી લેવાનો હતો, પરંતુ પોલીસની ત્વરિત કાર્યવાહીથી આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે.
તપાસ દરમિયાન પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે પોલીસ તપાસ અને ચેકિંગથી બચવા માટે આરોપી મહિલા નાઝમીને એક કિલો કરતાં પણ વધુ વજન ધરાવતાં ડ્રગ્સના પેકેટો પોતાની છાતીના ભાગે બાંધીને છુપાવ્યા હતા.
હરણી પોલીસે દંપતીની ધરપકડ કરીને તેમની પાસેથી રૂ. ૪૧ લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો તેમજ સ્કોર્પિયો કાર મળીને કુલ રૂ. ૫૭.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે બંને આરોપીઓ સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા, સપ્લાય ચેઇનની માહિતી મેળવવા અને રવિ નામના શખ્સ સહિત અન્ય સંકળાયેલા આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસે દંપતીના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
