તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
વડોદરાથી ભરૂચ જતી ટ્રેનમાં અચાનક હાર્ટ એટેક આવતા મુસાફરનું મૃત્યુ
કરજણ રેલવે સ્ટેશને ટ્રેનને ઇમરજન્સીમાં રોકી મુસાફરને તાત્કાલિક કરજણની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા

વડોદરાથી ભરૂચ જતી ટ્રેનમાં એક મુસાફરને અચાનક હાર્ટ એટેક આવતા દુઃખદ ઘટના બની હતી. મુસાફરની તબિયત બગડતા ટ્રેનમાં હાજર અન્ય મુસાફરો અને રેલવે સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પરિસ્થિતિ ગંભીર જણાતા ટ્રેનને કરજણ રેલવે સ્ટેશને ઇમરજન્સી ધોરણે રોકવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, મુસાફર વડોદરાથી ભરૂચ જવા માટે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમને છાતીમાં તીવ્ર દુખાવો અને બેચેની અનુભવાઈ હતી. આસપાસ બેઠેલા મુસાફરોએ તરત જ રેલવે સ્ટાફને જાણ કરી હતી. સ્ટાફે પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મુસાફરની હાલત વધુ ખરાબ બનતા ટ્રેનને કરજણ રેલવે સ્ટેશને રોકવામાં આવી હતી. સ્ટેશન પર ઉપલબ્ધ તાત્કાલિક સહાયથી મુસાફરને ટ્રેનમાંથી ઉતારી એમ્બ્યુલન્સ મારફતે કરજણની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પહોંચતા જ ડોક્ટરો દ્વારા તાત્કાલિક તપાસ અને સારવાર શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ડોક્ટરોએ મુસાફરને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ હાર્ટ એટેકને કારણે તેમનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, હાલ સ્થાનિક પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
