<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સુરેશ મહેતાનો ૯૦મો જન્મદિન : કચ્છના માંડવીમાં જન્મેલા વરિષ્ઠ રાજનેતા ૯૧મા વર્ષમાં પ્રવેશ્યા

જનસંઘથી રાજકીય સફર શરૂ કરનાર શ્રી સુરેશ મહેતા ૧૯૯૫માં રાજ્યના ૧૧મા મુખ્યમંત્રી બન્યા હતા : માંડવી બેઠક પરથી પાંચ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના વરિષ્ઠ રાજનેતા શ્રી સુરેશ મહેતા, (મો. નં. 9824022677) ૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ પોતાના જીવનના ૯૦ વર્ષ પૂર્ણ કરીને ૯૧મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. કચ્છ જિલ્લાના માંડવી ખાતે ૫ ઓગસ્ટ, ૧૯૩૬ના રોજ જન્મેલા સુરેશ મહેતાએ ગુજરાતના રાજકારણમાં દાયકાઓ સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

શ્રી સુરેશ મહેતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ભારતીય જનસંઘથી થઈ હતી. તેઓ ૧૯૭૫માં જનસંઘની ટિકિટ પર પ્રથમ વખત કચ્છની માંડવી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ ૧૯૮૫, ૧૯૯૦, ૧૯૯૫ અને ૧૯૯૮ની વિધાનસભા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સતત વિજયી બનીને વિધાનસભ્ય બન્યા હતા. ૧૯૯૫માં જ્યારે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપની સરકાર રચાઈ ત્યારે તેમને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.

ઓક્ટોબર ૧૯૯૫માં શંકરસિંહ વાઘેલાના બળવા બાદ કેશુભાઈ પટેલે રાજીનામું આપતાં સુરેશ મહેતાએ ૨૧ ઓક્ટોબર, ૧૯૯૫ના રોજ ગુજરાતના ૧૧મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને ૧૯ સપ્ટેમ્બર, ૧૯૯૬ સુધી પદ સંભાળ્યું હતું. રાષ્ટ્રીય જનતા પાર્ટીના ગઠન અને રાજકીય સંકટ વચ્ચે તેમણે રાજીનામું આપતા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. ૧૯૯૮માં ભાજપ પુનઃ સત્તામાં આવતા તેઓ કેશુભાઈ પટેલની સરકારમાં ઉદ્યોગ મંત્રી રહ્યા હતા, તેમજ બાદમાં ૨૦૦૧થી ૨૦૦૨ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીની કેબિનેટમાં પણ મંત્રી તરીકે સેવાઓ આપી હતી.

પોતાના સદ્ધાંતિક વલણ માટે જાણીતા સુરેશ મહેતાએ ૮ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ૨૦૧૨માં તેઓ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા સ્થાપિત ગુજરાત પરિવર્તન પાર્ટી (GPP)માં જોડાયા હતા. જોકે, ફેબ્રુઆરી ૨૦૧૪માં ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલીનીકરણ થતાં તેમણે તેનો વિરોધ કરીને પક્ષ છોડી દીધો હતો.

(10:56 AM IST)