<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

સુરતના નાસિરનગરના વિવાદિત ડિમોલિશન મુદ્દે મહત્વનો નિર્ણય:અસરગ્રસ્તોને વૈકલ્પિક ફાળવણી કરવા કમિટીની રચના

નાસીરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન કેસમાં બેઘર બનેલા રહીશોને વહેલી તકે અને યોગ્ય વૈકલ્પિક આવાસ મળી રહે તે માટે પાલિકા તંત્ર દ્વારા એક ખાસ ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાથ ધરવામાં આવતી ડિમોલિશનની કાર્યવાહી અને ત્યારબાદ અસરગ્રસ્ત પરિવારોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન કેસમાં બેઘર બનેલા રહીશોને વહેલી તકે અને યોગ્ય વૈકલ્પિક આવાસ મળી રહે તે માટે પાલિકા તંત્ર દ્વારા એક ખાસ ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી સમગ્ર પુનર્વસન પ્રક્રિયાનું ચુસ્ત મોનિટરિંગ કરીને નિયમિતપણે તેનો અહેવાલ સંબંધિત વિભાગને રજૂ કરશે.

સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ મકાન વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર હુકમ જાહેર કરવામાં આવ્યો છે. આ કમિટીમાં વહીવટી અને ટેકનિકલ કુશળતા ધરાવતા અનુભવી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેથી આવાસ ફાળવણીની સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને વિવાદમુક્ત બની રહે. નિમણૂક પામેલા સભ્યોમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તથા આઈએએસ (IAS) અધિકારી નિધિ સિવાચ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી એસ. પી. દેસાઈ તેમજ એડિશનલ સિટી ઈજનેર અને ડેપ્યુટી સિટી ઈજનેર એમ. ડી. ચાવડાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પાલિકાના આ આદેશ મુજબ, આ કમિટી ખાતરી કરશે કે નાસીરનગર ડિમોલિશનમાં પ્રભાવિત થયેલા તમામ પાત્રતા ધરાવતા પરિવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના સમયસર વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં આવે. અગાઉ આ પ્રકારના પુનર્વસનના પ્રશ્નોમાં વિલંબ થવાની ફરિયાદો ઉઠતી હતી, જેને ધ્યાનમાં રાખીને પાલિકાએ સીધી ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ કમિટી બનાવીને પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવાની દિશામાં મોટું ડગલું ભર્યું છે.

(10:56 PM IST)