તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ઓએસીસ સ્પોર્ટ્સ ક્લબની કરોડોની જમીન કૌભાંડ મામલે પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટની ધરપકડ
ક્લબના પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટે બોગસ દસ્તાવેજો અને પાવર ઓફ એટર્નીના આધારે લાખો-કરોડોની કિંમતની જમીન હડપ કરી હોવાના ગંભીર આરોપ

અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી ચર્ચિત ઓએસીસ સ્પોર્ટ્સ ક્લબની કરોડો રૂપિયાની જમીન કૌભાંડ મામલે વિવેકાનંદનગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્લબના પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટે બોગસ દસ્તાવેજો અને પાવર ઓફ એટર્નીના આધારે લાખો-કરોડોની કિંમતની જમીન હડપ કરી હોવાના ગંભીર આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે. આ હાઈપ્રોફાઈલ જમીન કૌભાંડ સામે આવતા રિયલ એસ્ટેટ અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હાથીજણ વિસ્તારમાં આવેલી ઓએસીસ સ્પોર્ટ્સ ક્લબ સાથે જોડાયેલી અંદાજે રૂપિયા 4.69 કરોડની કિંમતી જમીનને બારોબાર પચાવી પાડવાનું આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડમાં ક્લબના જ પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરીને કીમતી જમીન પોતાના કબજામાં લેવા માટે ગેરકાયદેસર રસ્તાઓ અપનાવવામાં આવ્યા હતા.
તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ કાયદેસરના માલિકો કે સંસ્થાને અંધારામાં રાખીને બોગસ (ખોટા) પાવર ઓફ એટર્ની અને અન્ય દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા. આ બનાવટી કાગળોના આધારે જમીનના માલિકી હકો બદલવાના પેંતરા રચવામાં આવ્યા હતા. કાયદાકીય છટકબારીઓ અને છેતરપિંડીના સહારે કરોડોની જમીન હડપ કરી લેવામાં સફળતા મળી હોવાનું માનીને બેઠેલા કૌભાંડીઓનો પર્દાફાશ હવે પોલીસ તપાસમાં થઈ રહ્યો છે.
સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા જ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ કેસને ગંભીરતાથી લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાથમિક પુરાવાઓ અને દસ્તાવેજી ચકાસણીના આધારે પોલીસે જમીન કૌભાંડના મુખ્યસૂત્રધાર અને ઓએસીસ ક્લબના પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટની ધરપકડ કરી લીધી છે.
હાલ પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ કૌભાંડમાં તેની સાથે અન્ય કયા-કયા લોકો સંડોવાયેલા છે અને આ બોગસ દસ્તાવેજો બનાવવામાં કોની-કોની મદદ લેવામાં આવી હતી. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા થવાની અને અન્ય લોકોની પણ ધરપકડ થવાની પૂરેપૂરી સંભાવના છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
