<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

સુરતમાં મહિલા તબીબના સાડા ત્રણ વર્ષના માસૂમ પુત્રનું બિલ્ડર પિતાએ જ અપહરણ કર્યું હોવાનો ગંભીર આરોપ

કતારગામની જાણીતી હોસ્પિટલના મહિલા તબીબ ડો. નંદિતા પટેલના સાડા ત્રણ વર્ષના માસૂમ પુત્રનું અપહરણ :બાળકના પિતા અને બિલ્ડર એવા ઈશાન પટેલ દ્વારા જ અપહરણ કરાયું હોવાનો પત્નીએ આક્ષેપ કર્યો

સુરત શહેરમાંથી એક અત્યંત સંવેદનશીલ અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કતારગામની જાણીતી હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા તબીબ ડો. નંદિતા પટેલના સાડા ત્રણ વર્ષના માસૂમ પુત્રનું અપહરણ કરવામાં આવ્યું છે. આ અપહરણ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નહીં પરંતુ બાળકના પોતાના પિતા અને બિલ્ડર એવા ઈશાન પટેલ દ્વારા જ કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ પત્નીએ કર્યો છે. આ ઘટનાને પગલે સુરતના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 29મી તારીખે શાળાના બ્લાઇન્ડ કમ્પાઉન્ડમાંથી આ અપહરણની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બિલ્ડર પિતા ઈશાન પટેલે પહેલાં પોતાના જ માસૂમ બાળકને લાલચ આપીને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બાળક ન માનતા કેર ટેકરના હાથમાંથી બાળકને આંચકીને પિતા તેને લઈને ફરાર થઈ ગયો હતો. દિવસના સમયે બનેલી આ ઘટનાથી શાળા સંકુલ અને સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ અને ફફડાટ ફેલાઈ ગયો છે.

 

પોલીસ ફરિયાદ મુજબ, મહિલા તબીબ ડો. નંદિતાએ વર્ષ 2024માં ઈશાન પટેલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નજીવનની શરૂઆત બાદ બંને વચ્ચે પારિવારિક અણબનાવ અને મનદુઃખ વધતા મામલો બગડ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી નંદિતા પટેલ પોતાના પતિથી અલગ થઈને પોતાના પિયરમાં રહેતી હતી અને પોતાના બાળકનો ઉછેર કરી રહી હતી. પારિવારિક વિવાદની આ અદાવતમાં પિતા દ્વારા આત્યંતિક પગલું ભરીને બાળકના અપહરણનું કાવતરું રચવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પીડિત માતા ડો. નંદિતા પટેલે વેસુ પોલીસ મથકમાં પોતાના જ પતિ ઈશાન પટેલ વિરુદ્ધ બાળકના અપહરણની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે વેસુ પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

તપાસ દરમિયાન પોલીસને ટેક્નિકલ સર્વેલન્સ અને ક્રેડિટ કાર્ડના ઉપયોગના આધારે મહત્વના સુરાગ મળ્યા છે. આરોપી પિતાએ અપહરણ બાદ ક્રેડિટ કાર્ડથી મુંબઈમાં શોપિંગ કરી હોવાનું સામે આવતા જ સુરત પોલીસની એક વિશેષ ટીમ મુંબઈ જવા માટે રવાના થઈ ગઈ છે. હાલ તો બાળકના અપહરણ પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે, પરંતુ પોલીસ મુંબઈમાં ધામા નાખીને પિતા અને માસૂમ બાળકને શોધી કાઢવા માટે સઘન ચક્રો ગતિમાન કર્યા છે.

(12:59 PM IST)