<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

સુરતમાં લગ્નના નામે છેતરપિંડી કરનારી લૂંટેરી દુલ્હન ગેંગનો મોટો ભાંડો ફૂટ્યો: કાપોદ્રા પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર હિતેશ કાપડિયાને ઝડપી લીધો

આરોપી યુવતીઓના બોગસ આધારકાર્ડ બનાવી લગ્ન ઇચ્છુક યુવકો અને તેમના પરિવારજનોને નિશાન બનાવતો: માત્ર ત્રણ મહિનામાં સુરત, અમદાવાદ અને રાજકોટમાં 17.20 લાખ રૂપિયાની ઠગાઈ આચરવાનો ખુલાસો થયો

સુરતમાં લગ્નના નામે છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ગેંગ સામે કાપોદ્રા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર હિતેશ કાપડિયાની ધરપકડ કરી છે, જે લગ્ન ઇચ્છુક યુવકોને યુવતીના ફોટા બતાવી વિશ્વાસમાં લઈ તેમના પરિવારજનો સાથે લાખોની ઠગાઈ આચરતો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓએ યુવતીઓના બોગસ આધારકાર્ડ બનાવી સમગ્ર કાવતરાને અંજામ આપ્યો હતો.

છેલ્લા ત્રણ મહિનામાં સુરત ઉપરાંત અમદાવાદ અને રાજકોટમાં મળીને અંદાજે 17.20 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ કેસમાં રૂપિયા વહેંચતો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેને આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ, ગેંગ સાથે સંકળાયેલી ફરાર લૂંટેરી દુલ્હન સ્વાતિની શોધખોળ પોલીસે વધુ તેજ બનાવી છે. સમગ્ર મામલે પોલીસ અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા પણ તપાસી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

(12:27 AM IST)