<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

ગુજરાતની ૪ કોર્પોરેશન કચેરીઓને ફૂંકી મારવાની ધમકી

જામનગર, ભાવનગર, સુરત અને વડોદરા મહાનગરપાલીકા કચેરીમાં ઇ-મેઇલથી ધમકી મળતા દોડધામ : બોમ્‍બ સ્‍કવોડ, પોલીસ તંત્ર દોડી ગયું : અંતે કઇ ન મળતા રાહત

જામનગર-ભાવનગર-વડોદરા અને સુરતમાં મહાનગરપાલીકા કચેરીઓને ઉડાવી દેવાની ધમકી મળ્‍યા બાદ બોમ્‍બ સ્‍કવોડ, ડોગ સ્‍કવોડ તથા પોલીસની ટીમ દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી. જો કે કોઇ શંકાસ્‍પદ વસ્‍તુઓ હાથ લાગી ન હતી. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)(૪.૧૫)

રાજકોટ, તા., ૧૭: ગુજરાતની ૪ મહાનગર પાલીકા કચેરીઓને બોમ્‍બથી ફુંકી મારવાની ઇ-મેઇલથી ધમકી મળતા દોડધામ મચી ગઇ હતી. જો કે કંઇ ન મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે. આજે બપોરે જામનગર, ભાવનગર, વડોદરા અને સુરત મહાનગર પાલીકા કચેરીઓને બોમ્‍બથી ફુંકી મારવાની ઇ-મેઇલથી ધમકી મળતા દોડધામ મચી ગઇ હતી.

ધમકીભર્યો ઇ-મેઇલ મળ્‍યા બાદ બોમ્‍બ સ્‍કવોડ અને પોલીસ ટીમો દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે એક પણ જગ્‍યાએથી શંકાસ્‍પદ કંઇ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને કચેરીઓ ફરી ધમધમતી થઇ ગઇ હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગરઃ  જામનગર મહાનગરપાલિકાના કેમ્‍પસમાં આજે બોમ્‍બ મુકાયાની શંકાસ્‍પદ ઈમેલ આવતા જ ભારે દોડધામ મચી ગઈ હતી. ઈમેલમાં મહાનગરપાલિકામાં બોમ્‍બ મુકાયાની વાત કરવામાં આવતા તંત્ર દોડતું થયું હતું.

ધમકીભર્યો ઈમેલ મળતા જ સાવચેતીના ભાગરૂપે મહાનગરપાલિકાનું આખું કેમ્‍પસ તાત્‍કાલિક ખાલી કરાવવામાં આવ્‍યું હતું. કચેરીમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ અને કામ અર્થે આવેલા નાગરિકોને તુરંત બહાર કાઢવામાં આવ્‍યા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બોમ્‍બ સ્‍ક્‍વોડની ટીમ ઘટનાસ્‍થળે દોડી આવી હતી. સુરક્ષા એજન્‍સીઓએ સમગ્ર પરિસરને કોર્ડન કરીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બોમ્‍બ ડિટેક્‍શન અને નિકાલ ટુકડીએ શંકાસ્‍પદ સ્‍થળોની ચકાસણી કરી હતી.

હાલ પોલીસ દ્વારા ઈમેલની તપાસ શરૂ કરવામાં આવી છે અને ઈમેલ કોણે મોકલ્‍યો તે દિશામાં તપાસ ચાલુ છે. સર્ચ પૂર્ણ થયા બાદ જ કેમ્‍પસ સામાન્‍ય કાર્યવાહી માટે ખુલ્લું મુકવામાં આવ્‍યું હતું. શંકાસ્‍પદ વસ્‍તુ હાથ લાગી ન હતી.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :  ભાવનગર મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનરના ઓફિશિયલ ઈમેઈલ આઈડી પર એક સનસનાટીભર્યો ધમકીભર્યો મેસેજ મળતાં સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કથિત ખાલિસ્‍તાની તત્‍વો દ્વારા મોકલવામાં આવેલા આ ઈમેઈલમાં ભાવનગર મહાપાલિકાની મેયર કચેરીને બોમ્‍બથી ઉડાવી દેવાની ગર્ભિત ધમકી આપવામાં આવી છે.

 મળતી વિગતો મુજબ આ ઈમેઈલમાં બપોરે ૩:૧૧ મિનિટે બોમ્‍બ બ્‍લાસ્‍ટ કરવાની વાત ઉલ્લેખવામાં આવી હતી. આ ગંભીર અને સંવેદનશીલ બાબત સામે આવતા જ મ્‍યુનિસિપલ કમિશનર મીના  દ્વારા તાત્‍કાલિક ધોરણે ભાવનગર પોલીસ ઙ્કશાસનને જાણ કરવામાં આવી છે. કમિશનરશ્રીએ આ ઈમેઈલ મળ્‍યો હોવાની સત્તાવાર પુષ્ટિ પણ કરી છે.

 ઘટનાની ગંભીરતાને ધ્‍યાને લઈને પોલીસ કાફલો, બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍ક્‍વોડ અને ડોગ સ્‍ક્‍વોડ સાથે મહાપાલિકા કચેરી ખાતે દોડી ગયા છે અને સમગ્ર બિલ્‍ડિંગમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું છે. આ સાથે જ સાયબર ક્રાઈમની ટીમ પણ આ ઈમેઈલ કયાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્‍યો છે તેની ટેકનિકલ તપાસમાં જોતરાઈ છે.

(2:44 PM IST)