તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
પર્સનલ ગાડીઓ ટેક્સી તરીકે કેમ ચાલે છે? હાઇકોર્ટનું ઓલા, ઉબેર અને રેપિડો સામે કડક વલણ:સરકાર પાસે માંગ્યો જવાબ
હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે 1 સપ્તાહમાં ખુલાસો માંગ્યો અને ડોમેસ્ટિક વાહનોને કોમર્શિયલમાં ફેરબદલ કર્યા બાદ જ ઉપયોગમાં લેવા આદેશ કર્યો

ગુજરાત હાઇકોર્ટમાં ઓલા, ઉબેર અને રેપિડો સહિતની પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા આપતી એપ્લિકેશન્સ સામે ચાલી રહેલી અરજી પર એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી છે. ઓટોરિક્ષા ચાલક એસોસિએશને હાઇકોર્ટમાં દાદ માંગી હતી કે આ ખાનગી કંપનીઓ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી. આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને રાજ્ય સરકારને આ મામલે 1 સપ્તાહની અંદર લેખિત જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ડોમેસ્ટિક કે પર્સનલ પાસિંગ ધરાવતા વાહનોના કોમર્શિયલ વપરાશ સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે રાજ્ય સરકાર પાસે સ્પષ્ટ ખુલાસો માંગ્યો છે કે ખાનગી વાહનોનો વ્યવસાયિક ઉપયોગ કેવી રીતે થઈ શકે? હાઇકોર્ટે ટકોર કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી રાજ્ય સરકારની તિજોરીને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેથી આ પ્રકારની ગતિવિધિઓ સામે તાત્કાલિક અસરથી કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે.
માનનીય હાઇકોર્ટે પોતાના અવલોકનમાં સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિ પોતાના ડોમેસ્ટિક વાહનનો ઉપયોગ મુસાફરોની હેરફેર માટે કરવા માંગતી હોય, તો તેણે નિયમ મુજબ વાહનને પહેલા કોમર્શિયલમાં ફેરબદલ કરાવવું પડશે. આ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ વાહન રસ્તા પર દોડાવવા દેવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ટેક્સ ભર્યા વગર અને નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતી આવી તમામ ખાનગી વાહન સેવાઓ પર કાયદાનો સિંકોજો કસવા માટે કોર્ટે સરકારને તાકીદ કરી છે. હવે આગામી સપ્તાહે સરકાર આ અંગે શું એક્શન પ્લાન રજૂ કરે છે તેના પર સૌની નજર રહેશે.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
