<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

સુરતની સરકારી સુમન શાળા બહાર અદાવત રાખીને 11 વર્ષના વિદ્યાર્થી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો

અમદાવાદ બાદ સુરતમાં બનેલી આ ઘટનાથી શિક્ષણધામોમાં ભયનો માહોલ: ઇજાગ્રસ્ત બાળક હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ:ઉધના પોલીસે હુમલાખોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા

ગુજરાતના મેટ્રો શહેરોમાં ગુનાખોરીની ઘટનાઓ સતત ચિંતાજનક રીતે વધી રહી છે. અમદાવાદમાં બનેલી અગાઉની ઘટનાઓની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં આર્થિક નગરી સુરતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સરકારી સુમન શાળાની બહાર માત્ર 11 વર્ષના માસૂમ વિદ્યાર્થી પર ધોળા દિવસે ચપ્પુના તીક્ષ્ણ ઘા ઝીંકીને ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. સરસ્વતીના ધામ ગણાતી શાળાની બિલકુલ બહાર જ બાળકની લોહીની નદીઓ વહેતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને રોષ વ્યાપી ગયો છે.

પ્રાથમિક અહેવાલો અનુસાર, ભોગ બનનાર માસૂમ વિદ્યાર્થી અને એક અજાણ્યા યુવાન વચ્ચે અગાઉ કોઈ સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી. આ મામૂલી તકરારની મનમાં અદાવત રાખીને હુમલાખોર યુવાને ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. વિદ્યાર્થી જેવો જ શાળાની બહાર નીકળ્યો, કે તરત જ આરોપીએ તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનાના પગલે અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે અને શિક્ષણધામમાં સુરક્ષાને લઈને મોટા પ્રશ્નો ઊભા થયા છે.

હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોહીલુહાણ વિદ્યાર્થીને તાત્કાલિક ધોરણે સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તબીબોની દેખરેખ હેઠળ તેની સઘન સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા હુમલાખોર યુવાનને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને કવાયત તેજ કરી છે.

(12:26 AM IST)