<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

છોટાઉદેપુરના નસવાડી જૂથ ગ્રામપંચાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભૂંડોનો ભારે ત્રાસ: આવેદનપત્ર અપાયું

સમસ્યાના ઉકેલ માટે ગામના લોકો બેનરો હાથમાં રાખીને નસવાડી મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી જૂથ ગ્રામપંચાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભૂંડોનો ત્રાસ વધી ગયો છે, જેનાથી સ્થાનિક લોકો ભારે પરેશાન છે. આ સમસ્યાના ઉકેલ માટે ગામના લોકો બેનરો હાથમાં રાખીને નસવાડી મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા 4 દિવસમાં જ ભૂંડોના કારણે બે મોટી ઘટનાઓ બની છે. આમાં ભૂંડે બે બાઈક ચાલકોને અડફેટે લીધા હતા, જેમાં એક બાઈક ચાલકનો હાથ અને બીજા બાઈક ચાલકનો પગ ભાંગી ગયો છે. આ ઉપરાંત, એક નાની બાળકીને પણ ભૂંડે કરડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ગામ લોકોનો આક્ષેપ છે કે, આ ગંભીર સમસ્યા અંગે નસવાડી ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચને રજૂઆત કરવા છતાં તેઓ લોકોની વાત સાંભળતા નથી. પંચાયત દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતા આખરે કંટાળીને ગ્રામજનોએ મામલતદાર અને તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે.

(9:34 PM IST)