તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
ગુજરાત રાજ્યમાં ભેળસેળ અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સઘન કાર્યવાહી: નાગરિકોના આરોગ્ય સાથે કોઈ સમાધાન નહીં, રાજ્યવ્યાપી તપાસમાં 5.89 કરોડથી વધુના 2.12 લાખ કિલો/લિટર ખાદ્ય પદાર્થો ઝડપાયા : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીર પર રાજ્યવ્યાપી વિશેષ ચેકિંગ અભિયાન; અમદાવાદથી કચ્છ સુધીના જિલ્લાઓમાં બ્રાન્ડેડ અને ખુલ્લા વેચાણના જથ્થાની ચકાસણી, “સ્વસ્થ ગુજરાત – સુરક્ષિત ગુજરાત”ના સંકલ્પ સાથે નિયમિત દરોડા ચાલુ રહેશે

ગાંધીનગર, તા. 16 નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે રાજ્યના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને આ અભિયાન દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના જથ્થાની સઘન તપાસ કરીને નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ઘીનો 39,787 કિલો જથ્થો, ખાદ્ય તેલનો 1,67,256.60 કિલો/લિટર જથ્થો, દૂધ અને દૂધજન્ય પદાર્થોનો 675.40 કિલો જથ્થો તેમજ પનીરનો 5,229 કિલો જથ્થો મળી કુલ 2,12,948 કિલો/લિટરથી વધુ ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ઘીના જથ્થાની અંદાજિત કિંમત રૂ. 2,38,72,200, ખાદ્ય તેલની રૂ. 3,34,51,320, દૂધ અને દૂધજન્ય પદાર્થોની રૂ. 47,250 તેમજ પનીરની રૂ. 15,68,700 મળી કુલ અંદાજિત રૂ. 5,89,39,470 એટલે કે 5.89 કરોડથી વધુ કિંમતના ખાદ્ય પદાર્થોની તપાસ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અભિયાન અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દાહોદ, કચ્છ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, પંચમહાલ, વડોદરા સહિતના જિલ્લાઓમાં વિવિધ બ્રાન્ડ તથા ખુલ્લા વેચાણમાં રહેલા ઘી, તેલ, દૂધ અને પનીરના સેમ્પલ લઈને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી અને ભેળસેળયુક્ત જથ્થા સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરે અને ભેળસેળયુક્ત, ગુણવત્તા વિહોણા અને નિયમોનું ઉલ્લંઘન કરતા ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી સત ચાલુ રહેશે. ખાદ્ય સુરક્ષા કાયદાના અમલીકરણ માટે રાજ્યભરમાં નિયમિત સેમ્પલિંગ, તપાસ અને દરોડાની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા “સ્વસ્થ ગુજરાત – સુરક્ષિત ગુજરાત”ના સંકલ્પ સાથે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા અને ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા માટે આવનારા સમયમાં પણ આવા વિશેષ અભિયાનો સત ચાલુ રાખવામાં આવશે જેથી બજારમાંથી ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું નાબૂદી થાય અને લોકોને શુદ્ધ ખોરાક મળી રહે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
