<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં GNFCની સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી: પાંચ દાયકાની ગૌરવપૂર્ણ સફરની ઉજવણી સાથે 2047 સુધીમાં 70 હજાર કરોડના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનો રોડમેપ જાહેર કરીને વિકસિત ભારતના સંકલ્પને વેગ આપ્યો

નર્મદા નગર ટાઉનશીપમાં નમો વડવન, મિયાંવાકી ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્કનું લોકાર્પણ તેમજ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું ઉદઘાટન કરાયું; નીમ પ્રોજેક્ટ દ્વારા 4.50 લાખથી વધુ ગ્રામીણ મહિલાઓને આર્થિક પગભર કરવાના ભગીરથ કાર્યને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બિરદાવ્યું

ભરૂચ, નર્મદાનગર તા.૧૬ :  રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રના સંયુક્ત સાહસ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ-GNFCની પાંચ દાયકાની ગૌરવપૂર્ણ સફરની ઉજવણીરૂપ સુવર્ણ જયંતિ મહોત્સવ નર્મદા નગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અત્યંત ગરિમામય વાતાવરણમાં ઉજવાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે GNFCની પાંચ દાયકાની સફળતા ગુજરાતના વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારત માટેના યોગદાનની અનન્ય ગાથા છે. તેમણે વિકસિત-આત્મનિર્ભર ભારત 2047ના સંકલ્પમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે GNFCએ તૈયાર કરેલા પોતાના રોડમેપને વર્તમાન 7 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટ્સને 10 ગણા વધારીને 2047 સુધીમાં 70 હજાર કરોડના પ્રોજેક્ટ્સ સુધી લઈ જઈને સાકાર કરવાનું GNFC પરિવારને આહવાન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે પણ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત 2047નો રોડમેપ 6 રિજિયનમાં સર્વગ્રાહી વિકાસ માટેના લોંગ ટર્મ વિઝન સાથે તૈયાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના સળંગ 12 વર્ષ પૂર્ણ થવાના અવસર અને GNFCની ગોલ્ડન જ્યુબિલી અવસર બેયને સુભગ સમન્વય ગણાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 12 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ તેજ ગતિએ આગળ વધ્યું છે અને આ વિકાસયાત્રામાં દેશના પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સના મહત્વપૂર્ણ યોગદાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ PSUને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સ્પર્ધાત્મકતા સાથે પ્રોફેશનલ એપ્રોચથી પ્રોફીટેબલ બનાવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તા યુક્ત ખાતરો પૂરા પાડીને કૃષિ ઉત્પાદકતા વધારવા સાથે કેમિકલ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવા પર્યાવરણ જાળવણી સાથે આર્થિક-સામાજિક વિકાસની નેમ સાકાર કરવાના હેતુથી GNFCની થયેલી સ્થાપનાની સરાહના કરી હતી અને GNFCએ નીમ પ્રોજેક્ટ હેઠળ લીંબોડીના તેલનો યુરિયાના નીમકોટિંગ તરીકે ઉપયોગ તથા લીમડાના તેલમાંથી બનાવેલા ઓર્ગેનિક ઉત્પાદનોની પહેલને બિરદાવી હતી. આ નીમ પ્રોજેક્ટ અંતર્ગત લીંબોડી ભેગી કરવાના કામોમાં ગ્રામીણ મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપને જોડીને અંદાજે 4.50 લાખથી વધુ બહેનોને આર્થિક રીતે પગભર કરવાના ભગીરથ કામ માટે અને ભરૂચ જિલ્લાના 50 ગામોના સર્વાંગી વિકાસ માટે 50 વિકસિત ગામો-વિઝન 2047ની મહત્વાકાંક્ષી પહેલ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે GNFC મેનેજમેન્ટને અભિનંદન આપ્યા હતા. GNFCના સુવર્ણ જયંતિ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નર્મદા નગર ટાઉનશીપમાં નમો વડવન, મિયાવાકી ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું હતું તેમજ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું ઉદઘાટન અને GNFCની 50 વર્ષની સફળતાની ગાથા આલેખતી કોફિટેબલ બુકનું વિમોચન પણ કર્યું હતું. GNFCની ગોલ્ડન જ્યુબિલી મહોત્સવ પ્રસંગે GNFCના ચેરમેન અને રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે 1991માં ગુજરાતમાં સનદી અધિકારી તરીકે તેમની નિમણૂક સમયે ગુજરાત દર્શન ટૂર અંતર્ગત તેમને લીધેલી GNFCની મૂલાકાતની યાદો તાજી કરીને જણાવ્યું હતું કે કંપનીએ ભૂતકાળના વિઝન કરતાં આજે ઘણી મોટી પ્રગતિ કરી છે અને આ ઐતિહાસિક સફળતા માટે 2,73,000 જેટલા શેરહોલ્ડર્સ, તમામ અધિકારીઓ, કર્મચારીઓ, સપ્લાયર્સ તેમજ કંપનીના નવનિર્માણમાં ડિઝાઇન, કોન્ટ્રાક્ટ કે શ્રમ કરનાર તમામ નાના-મોટા શ્રમિકોની મહેનતને બિરદાવી હતી. મુખ્ય સચિવ અને ચેરમેન મનોજ કુમાર દાસે વિઝન 2047 અને ભવિષ્યના આયોજનો રોડમેપ આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારની તમામ કંપનીઓએ વિઝન 2047 ડોક્યુમેન્ટ મંજૂર કર્યો છે અને હાલમાં GNFCના આશરે સાતેક હજાર કરોડના પ્રોજેક્ટ્સ કાર્યરત છે. ભવિષ્યમાં કંપની વૈશ્વિક પ્રવાહો સાથે તાલ મિલાવીને Consolidate, Expand અને Diversify એટલે કે મજબૂતીકરણ, વિસ્તરણ અને વૈવિધ્યકરણના ધ્યેય સાથે આગળ વધશે. સાથે જ GNFC કંપનીએ અત્યાર સુધીમાં શિક્ષણ, આરોગ્ય અને પોષણ જેવા ક્ષેત્રોમાં આશરે રૂ. 200 કરોડનો CSR ખર્ચ કર્યો છે જેના પ્રતિક સ્વરૂપે વિકસિત ભારતના લક્ષ્ય હેઠળ ભરૂચ જિલ્લાના 50 જેટલા ગામોને દત્તક લઈને વિકસિત ગામો બનાવવા એ કંપનીનો સંકલ્પ છે. નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અને આત્મનિર્ભરતાની વાત કરતા મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેર કરાયેલી નવી ઉદાર ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં 25 થી 30 ટકા સુધીના ઇન્સેન્ટિવ્સની જોગવાઈ છે જેના કારણે GNFCના પ્રોજેક્ટ્સની વાયેબિલિટીને મોટો વેગ મળશે અને 2047ના લક્ષ્યાંકો સમય કરતાં વહેલા પૂરા કરી શકાશે. GNFCના મેનેજિંગ ડિરેક્ટર રાજકુમાર બેનીવાલે સ્વાગત પ્રવચનથી સૌને આવકારતા GNFCની ઉત્તરોત્તર પ્રગતિની વિસ્તૃત વિગતો અને ભવિષ્યલક્ષી આયોજનોની છણાવટ કરી હતી. આ તકે પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ધારાસભ્ય દેવકિશોરદાસ સ્વામી, અરૂણસિંહ રાણા, રિતેશભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે, GNFCના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર અજય ખરે અને શેરહોલ્ડર્સ, અધિકારીઓ, કર્મચારીઓ, સપ્લાયર્સ અને અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

(3:54 PM IST)