<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

કોલ્ડરૂમના મશીનમાં કોઈ ખામી સર્જાશે અને શબ સડી જશે, તો તેની જવાબદારી હોસ્પિટલની નહીં !!

વડોદરાની પ્રખ્યાત SSG હોસ્પિટલના સત્તાધીશો દ્વારા એક અત્યંત સંવેદનહીન અને આઘાતજનક નિર્ણય

વડોદરાની પ્રખ્યાત SSG હોસ્પિટલના સત્તાધીશો દ્વારા એક અત્યંત સંવેદનહીન અને આઘાતજનક નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવતા મૃતદેહની સુરક્ષાને લઈને તંત્રે પોતાની તમામ જવાબદારીઓમાંથી હાથ અધ્ધર કરી લીધા છે. હવેથી જો કોલ્ડરૂમના મશીનમાં કોઈ ખામી સર્જાશે અને તેના કારણે શબ સડી જશે, તો તેની સંપૂર્ણ જવાબદારી હોસ્પિટલની નહીં પરંતુ મૃતકના સગાની રહેશે તેવો વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે.

નવા નિયમ મુજબ, SSG હોસ્પિટલના કોલ્ડરૂમમાં પોતાના સ્વજનનો મૃતદેહ મૂકતા પહેલાં પરિવારજનોએ એક ફોર્મ પર સહી કરવી પડશે. આ ફોર્મ સબમિટ કરતાં પહેલાં સગાએ ફોર્મ પર લખેલી 3 લીટીની ખાસ નોંધ ફરજિયાત વાંચવી પડશે, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે મશીનની ક્ષતિના કારણે શબને કોઈ નુકસાન થશે તો તંત્ર જવાબદાર રહેશે નહીં. વહીવટી તંત્રના આ અમાનવીય વલણથી સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મહત્વનું છે કે, થોડા દિવસો પહેલાં જ SSG હોસ્પિટલના કોલ્ડરૂમમાં મશીન બગડી જવાના કારણે એક મૃતદેહ સડી ગયો હતો, જેને પગલે હોસ્પિટલમાં ભારે હોબાળો મચ્યો હતો. તે સમયે મૃતકના ગુસ્સે ભરાયેલા સ્વજનો અને હોસ્પિટલ તંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હાથપાઈની ઘટના પણ સામે આવી હતી. પોતાની આ આંતરિક ખામીઓ અને સુરક્ષા વ્યવસ્થા સુધારવાને બદલે, તંત્રે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આ નવો રસ્તો અપનાવી લીધો છે.

(1:48 PM IST)