<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શનિવાર સુધીમાં વરસાદની શક્યતા:હવામાન વિભાગની આગાહી

ચોમાસું મહારાષ્ટ્રમાં થોડું આગળ વધ્યું અને અરબ સાગરથી પણ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી: આગામી દિવસોમાં તે વધુ સક્રિય થવાની શક્યતા

ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો પ્રકોપ યથાવત છે. ચોમાસું મહારાષ્ટ્રમાં થોડું આગળ વધ્યું છે અને અરબ સાગરથી પણ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે. આગામી દિવસોમાં તે વધુ સક્રિય થવાની શક્યતા છે. જેના પગલે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે તેમ છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે. તેમજ 15થી 20 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં વરસવાની શક્યતા છે.

નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના વધુ વિસ્તારોમાં આગળ વધ્યું છે, જેની ઉત્તરીય રેખા હાલ સોલાપુર, હૈદરાબાદ અને ધનબાદ પરથી પસાર થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં કર્ણાટક, તેલંગણા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, દક્ષિણ છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં ચોમાસાના આગમન માટે સંજોગો સંપૂર્ણપણે સાનુકૂળ છે. હાલમાં આ સિસ્ટમ હરનાઈથી લઈને મુઝફ્ફરપુર સુધીના વિસ્તારોને આવરી રહી છે, જે આગામી દિવસોમાં ઉત્તર તરફ વધુ વેગ પકડશે તેવું અનુમાન છે.

હવામાન વિભાગ અનુસાર, આજે 14થી 16 જૂન 2026 દરમિયાન સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા છે. ગઇકાલે 41.9 ડિગ્રી સાથે ભાવનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું.

17 અને 18 જૂન 2026ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

19 અને 20 જૂન 2026ના રોજ સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

જમ્મુ અને પશ્ચિમ રાજસ્થાનના ઉપરના આકાશમાં સર્જાયેલું ચક્રવાતી દબાણ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે નબળું પડ્યું હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે. હાલમાં એક સીઝનલ ટ્રફ લાઈન પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર મધ્ય પ્રદેશ, દક્ષિણ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ થઈને પશ્ચિમ બંગાળ સુધી લંબાયેલી છે. આ ભૌગોલિક સ્થિતિ વચ્ચે સમગ્ર વિસ્તારમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. વાતાવરણમાં આવેલા આ ફેરફારના પરિણામે આગામી કલાકોમાં સ્થાનિક હવામાન પર તેની સીધી અસર જોવા મળશે.

(5:15 PM IST)